ચોટીલાના થાનગઢ રોડ પર જાહેરમાં ઝીઝૂંડાના કાઠી યુવાનની તા. 28 ફેબ્રુઆરીએ 5 આરોપીએ બે રાઉન્ડ ફાયરીંગ અને છરી છરા વડે નિર્મમ હત્યા નિપજાવી હતી. આ બનાવમાં ચોથો આરોપી એવા સેના પોલીસ જવાનને હત્યાના સવા બે મહિના બાદ યુપીથી પકડી લાવવામાં પોલીસને સફળતા મળી હતી.
ચોટીલાના થાનરોડ પર ફેબ્રુઆરીના અંતિમ દિવસે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવેલો. જેમા ઝીંઝુડા ગામના કાઠી દરબાર ધર્મેન્દ્રભાઇ શાંતુભાઈ ખાચરની બે રાઉન્ડ ફાયરીંગ અને છરી છરાના 10 જેટલા ઘા મારી નિર્મમ હત્યા નિપજાવી હત્યારાઓ નાસી છુટયા હતા. પાંચ આરોપીઓ સામે હત્યાનો અને કાવતરા સહિતનો ગુનો નોંધાયેલો હતો.
આ હત્યાનાં ગુનામાં પોલીસે અગાઉ 3 આરોપીને વીડી વિસ્તારમાંથી જયારે સેના પોલીસમા ઉત્તર પ્રદેશમાં ફરજ બજાવતા વિનુભાઇ વિરજીભાઈ ગાંગડીયાને પકડવા માટે ચોટીલા પીએસઆઈ સંજય એસ. વરૂ, નરેશભાઇ, ભીખાભાઇ, સરદારસિંહ સહિતની ટીમ ઉત્તર પ્રદેશ ગયેલી અને યુબી એરીયા બરેલી કેન્ટિનથી આરોપી કબજે કરી ચોટીલા લાવવામાં સફળ રહી હતી.
સુત્રોના જણાવ્યાનુસાર હત્યા જે રીવલ્વોરનો ઉપયોગ કરવામાં આવેલો છે તે આ જવાનની લાયસન્સ વાળી રીવલ્વોર છે. જે અગાઉ ત્રણ આરોપી પકડાયા તે સમયે કબજે લેવાયેલી છે. પકડાયેલા આરોપીના 48 કલાકના રીમાન્ડ મળેલા છે. પોલીસ વધુ પુછપરછ હાથ ધરી છે અને બાકી રહેલા એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.