હાલાકી:સોનગઢ અંકલેશ્વર ST બસને વાયા રાજપરા ન કરતા પરેશાની

વાંકલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઇવર કંડક્ટર નિર્ણય કરી બસ બારોબાર લઇ જાય છે

સુરત એસ ટી ડિવિઝનના સોનગઢ ડેપો સંચાલિત એસ ટી રુટ સોનગઢ અંકલેશ્વર એસ ટી બસને વાયા રાજપરા ગામના મુખ્ય બસ સ્ટેશને નહીં લવાતા રાજપરા ગામના મુસાફરો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સોનગઢથી અંકલેશ્વર સુધી દોડાવાતી એસ ટી બસના ડ્રાઈવર કંડકટર મનસ્વી વર્તન કરી એસ ટી બસને વાયા રાજપરા ગામમાં લઈ જતા નથી. આ બાબતે સ્થાનિક આગેવાનો દ્વારા ડ્રાઈવર કંડક્ટરને અનેક વાર વિનંતી કરવા છતાં તેઓ ફરિયાદ સાંભળતા નથી, જેને કારણે રાજપરા ગામના મુસાફરો અને ખાસ વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

રાજપરા ગામેથી પસાર થતી તમામ સરકારી એસ ટી બસો રાજપરા ગામના મુખ્ય બસ સ્ટેશન પર જાય છે પરંતુ એકમાત્ર સોનગઢથી અંકલેશ્વર જતી એસ ટી બસ રાજપરા ગામના મુખ્ય બસ સ્ટેશને જતી નથી. ડેહલી અને વાલિયા ખાતે શૈક્ષણિક સંસ્થાઓમાં રાજપરા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેથી વિદ્યાર્થીઓ અને મુસાફરો બસની કલાકો સુધી બસ સ્ટેશન પર બેસી રાહ જોતા હોય છે પરંતુ ડ્રાઇવર અને કંડકટર બાયપાસ રોડ પરથી બસ હંકારી જાય છે.

જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે ત્યારે સોનગઢ એસ.ટી.ડેપોના અધિકારી વિદ્યાર્થીઓના હિતમાં કાર્યવાહી કરી ડ્રાઇવર કન્ડકટરોને સૂચના આપી બસને વાયા રાજપર કરાવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે વધુમાં રાજપરાના સરપંચ દ્વારા એસ ટી વિભાગને વિદ્યાર્થીઓની મુશ્કેલી મુદ્દે લેખિત રજૂઆત થઈ છે. અંતમાં વિદ્યાર્થીઓ અને આગેવાનોએ જણાવ્યું કે આ માગણી નહીં સંતોષાય તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે વિદ્યાર્થીઓ આંદોલન કરશે

અન્ય સમાચારો પણ છે...