માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના યુવકે પ્રેમ સંબંધ બાંધતા ગર્ભવતી બનેલી યુવતી પત્ની તરીકે યુવકના ઘરે રહેવા આવ્યા બાદ મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવવાની કોશિશ કરી ગર્ભપાત ન કરાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપનાર પતિ સાસુ સસરા અને એક દાયણ વિરુદ્ધ યુવતીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ઝંખવાવ ગામના સ્ટેશન ફળિયામાં રહેતા દિવ્યેશભાઈ પુનજીભાઈ વસાવાએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યો હતો અને યુવતીની મરજીથી શરીર સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની હતી. જેથી આ યુવતી ઝંખવાવ ગામે દિવ્યેશના ઘરે પત્ની તરીકે રહેવા આવી હતી. ત્યારે દિવ્યેશ અને તેના પિતા પુંનજીભાઈ તેમજ માતા ગંગાબેન દ્વારા યુવતીને ગર્ભપાત કરાવવા ગરમ પદાર્થો ખવડાવવામાં આવ્યા હતા.
તેમજ ગર્ભપાત કરાવવા બાબતે ગંગાબેને યુવતીને ગાલ પર તમાચો માર્યો હતો, જ્યારે પતિ દિવ્યેશે ગર્ભપાત નહીં કરાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવક અને તેના માતા-પિતાએ સાગબારા તાલુકાના પાટી ગામે રહેતી દાયણ મહિલા બગીબેન પાસે લઈ જઇ પેટ ગર્ભવતી યુવતીનું ચોળાવી યુવતીની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવવાની કોશિશ કરી હતી. જેથી આ ગુનામાં મદદ કરનાર દાયણ મહિલા તેમજ પતિ સાસુ સસરા સહિત ચાર વિરુદ્ધ યુવતીએ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.