તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રોફ જમાવવા વર્દી પહેરનાર નકલી પોલીસ જેલના હવાલે

વાંકલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલો મોહમ્મદ ઈલ્યાસ બાગી વાલોડનો વતની છે

માંગરોળ તાલુકાના મોસાલી ચાર રસ્તા પર પોલીસની વર્દી પહેરી રોફ જમાવતા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

માંગરોળ પોલીસ મથકના પ્રવિણસિંહ શાંતુભા, સંજયભાઈ રાયસીંગભાઈ, પરેશભાઈ કાન્તિલાલભાઈ પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે એક શખ્સ મોસાલી ચાર રસ્તા ખાતે પોલીસની વર્દીમાં આંટાફેરા મારી લોકો ઉપર રોફ જમાવી રહ્યો છે. જેથી પોલીસે ઉપરોકત સ્થળે તપાસ કરતા એક શખ્સ પોલીસ વર્દીમાં મળી આવ્યો હતો. તેને અટકાવી તેનું નામ પુછતા પોતાનું નામ મોહમ્મદ ઈલ્યાસ બાગી (હાલ રહેવાસી પાનેશ્વર ફળિયુ વાંકલ તાલુકો માંગરોળ) તેમજ મુળ રહેવાસી વાલોડ પુલ ફળિયુ બુહારી ઉનાઇ રોડ પેટ્રોલ પંપની પાછળ રહેતો હોવાનું જણાવ્યું હતું. યુવકે વાંકલ ગામની આદિવાસી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે, જેથી ત્યાં રહેતો હતો. આ શખ્સએ ગુજરાત પોલીસ કર્મચારીઓની વર્દી પહેરી હતી નેમ પ્લેટ ઉપર લાલુ આઈ બાગી. H C બેજ નંબર 175 લખેલું હતું. પોલીસે તેની પાસે ઓળખકાર્ડ માંગતા તે આપી શક્યો નહોતો, જેથી પોલીસને નકલી પોલીસ હોવાનું જણાયું હતું.

આ શખ્સે જણાવ્યું કે હું પોલીસ ખાતામાં નોકરી કરતો નથી, પરંતુ પોલીસનો ડ્રેસ પહેરીને લોકો ઉપર રોફ જમવાની મજા આવે છે જેથી હું આ ડ્રેસ પહેરું છું પરંતુ પોલીસે એની મજા ને સજા બનાવી જેલ હવાલે કરી દીધો છે. આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે પોલીસની વર્દીનો ઉપયોગ અત્યાર સુધીમાં ક્યાં ક્યાં કર્યો છે. તેની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...