આદિવાસીઓને મુશ્કેલી:જંગલમાં ઘાસચારા, પ્લાન્ટેશનને નુકસાન કરાઇ રહ્યાની ફરિયાદ

વાંકલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકોનાે પશુઓ ઘાસચારો ચરતા નજરે પડી રહ્યા છે. - Divya Bhaskar
જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકોનાે પશુઓ ઘાસચારો ચરતા નજરે પડી રહ્યા છે.
  • ઉમરપાડાના દિવતણ, ઘાણાવડ ગામના સ્થાનિક આદિવાસીઓને મુશ્કેલી
  • જંગલ વિસ્તારમાં આદિવાસી પશુપાલકોના હક પર તરાપ મારતા આક્રોશ, ઝઘડા પણ થાય છે

ઉમરપાડાના જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકો દાદાગીરી કરી ઘાસચારો અને પ્લાન્ટેશનને નુકસાન કરી જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓના હક પર તરાપ મારી રહ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. જંગલ વિસ્તારમાં આદિવાસી પરિવારો માટે રોજગારીનો વિકલ્પ નથી જેથી સરકાર અને વન વિભાગ દ્વારા જંગલમાં વસવાટ કરતા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસો કરે છે. જેના ભાગરૂપે ઉમરપાડાના જંગલ વિસ્તારમાં દિવતણ ઘાણાવડ બરડીપાડા નાની બીલવાણ ચોખવાડા, વડપાડા સહિત છ ગામોમાં સહભાગી સમિતિઓ કાર્યરત કરી છે. વનવિભાગ દ્વારા સમિતિઓને વિવિધ લાભો પણ આપે છે અને તેઓનું ઉત્થાન થાય એવા પ્રયાસ કરે છે સાથે વન સમિતિના આદિવાસી પરિવારો જંગલનું જતન અને રક્ષણ કરે છે.

ઉપરોક્ત સહભાગી વન સમિતિઓને નાના પરિવારો પશુપાલન કરી શકે એ માટે જંગલમાંથી મળતો ઘાસચારો તેઓના આપવામાં આવે છે જેથી પશુપાલન કરી શકે પરંતુ હાલની પરિસ્થિતિમાં જંગલમાં ઉગેલો ઘાસચારો ભરવાડ પશુપાલકો દાદાગીરી કરી પોતાના પશુઓને ચરાવી રહ્યા છે. એક સાથે 200થી 500 પશુઓ જંગલમાં આવતા તમામ ઘાસચારો આ પશુઓ ચરી જાય છે અને સ્થાનિક સમિતિના આદિવાસી પશુપાલકોને કોઈ લાભ મળતો નથી. કેટલીકવાર સહભાગી વન સમિતિ અને ભરવાડ પશુપાલકો વચ્ચે ઝઘડા થઈ રહ્યા છે. સ્થાનિક નાના આદિવાસી પશુપાલકોને પોતાના હકનો ઘાસચારો જંગલમાંથી મળતો નથી તેઓની રોજગારી છિનવાઈ રહી છે તેમજ વન વિભાગના પ્લાન્ટેશનમાં પશુઓ ચરાવાતા પ્લાન્ટેશનને નુકસાન થઈ રહ્યું છે. જેથી વનવિભાગ દ્વારા કેટલીક વાર ભરવાડ પશુપાલકોના પશુઓને જંગલમાં જવા દેવામાં આવતા નથી. ત્યારે વનવિભાગના અધિકારીઓ સાથે ઝઘડા થઈ રહ્યા છે. મહત્વની બાબત એ છે કે આદિવાસીઓ જંગલનું જતન કરી રહ્યા છે ત્યારે પહેલો હક ઘાસચારા પર સ્થાનિકનો છે આદિવાસીઓને થતાં અન્યાય મુદ્દે ભરવાડ પશુપાલકો વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએથી કાયદાકીય પગલાં ભરી જંગલ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓના હકનું રક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અમારા હકનો ઘાસચારો ચરાવી જતાં પશુ પાલન કરવું મુશ્કેલ
અમારુ દિવતણ ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે અને સંપૂર્ણ પણે આદિવાસી પરિવારો વસવાટ કરે છે રોજગારીના કોઈ સાધન નથી જેથી સહભાગી વન સમિતિ મારફત જંગલનું અમે રક્ષણ કરીએ છીએ અને વનવિભાગ દ્વારા પૂરતા લાભો અમને આપવામાં આવે છે જેમાં અમે પશુપાલન કરી શકીએ તે માટે ઘાસચારો આપવામાં આવે છે પરંતુ આ ઘાસચારો તાલુકાના કેટલાક ગામોમાં વસવાટ કરતા ભરવાડ પશુપાલકો એક સાથે બસો-પાંચસો પશુઓને જંગલમાં ઘૂસાડી દે છે અને અમારા હક નું ઘાસ તેઓ પોતાના પશુને ચરાવી દેતા આદિવાસીઓએ પશુ પાલન કરવાનું મુશ્કેલ બન્યું છે આદિવાસીઓ જંગલ ની સાચવણી કરે છે અને ભરવાડ પશુપાલકો જંગલ ને નુકસાન કરે છે. સમગ્ર ઉમરપાડા તાલુકામાં જંગલ વિસ્તારના ગામોની આ પરિસ્થિતિ છે. > રમેશભાઈ વસાવા, મંત્રી, દિવતણ સહભાગી વન સમિતિ

અન્ય સમાચારો પણ છે...