અકસ્માત:કરણ પાસે બાઇક સ્લીપ થતાં માર્ગ પર પટકાયેલા 2 યુવકો ઉપર ટ્રક ફરી વળી

પલસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કરણ ગામ પાસે સ્લીપ મારી ગયેલી બાઇક. - Divya Bhaskar
કરણ ગામ પાસે સ્લીપ મારી ગયેલી બાઇક.
  • મિત્રએ બુમ પાડતાં બાઇકચાલકનું ધ્યાન ભટક્યુંને ગોઝારો અકસ્માત સર્જાયો

પલસાણા તાલુકાના કરણ ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતાં મોટર સાયકલ પર જતાં બે યુવકોને બૂમ પાડી એક યુવક તેમની નજીક પહોંચી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બંને મોટર સાયકલ સાથે નીચે પટકાયા હતા. આ દરમિાયન પાછળથી પૂરઝડપે આવતી એક ટ્રક તેમના પર ફરી વળતાં બંનેના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા.

મળતી માહિતી અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાનો અને હાલ કડોદરાના મણિનગરમાં આવેલા શિવમ એપાર્ટમેંટમાં રહેતો રામબલી મોતીલાલ યાદવ (45) બલેશ્વર નજીક આવેલી કલાકૃતિ મિલમાં ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. સોમવારે સવારે રામબલી તેની સાથે કામ કરતાં બ્રિજભાણ શિવપ્રસાદ જયસ્વાલ (36), (રહે સાબર હોટલ પાછળ, બલેશ્વર, મૂળ રહે શાહદોલ, મધ્યપ્રદેશ) સાથે મોટર સાયકલ નંબર (GJ 19 BD 0350) પર કડોદરા બેન્કમાં ખાતું ખોલાવવા માટે નીકળ્યા હતા. તેઓ નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે કરણ ગામની સીમમાં પગપાળા જતાં તેમના મિત્ર લવકુશ વનરાજ બૂમ પાડી તેમની મોટર સાયકલ નજીક ધસી આવ્યો હતો.

આથી ચાલક રામબલીએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં બંને રોડ પર પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી ટ્રકના તોતિંગ વ્હીલ બંને પરથી ફરી વળતાં કમકમાટી ભર્યા મોત થયા હતા. જ્યારે લવકુશને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના અંગે પલસાણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...