ધરપકડ:સાંકીમાં 3 મહિના પૂર્વે થયેલી વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો

પલસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પકડાયેલ આરોપી - Divya Bhaskar
પકડાયેલ આરોપી
  • વૃદ્ધા આવી જતાં પકડાઇ જવાની બીકે ચોરે હત્યા કરી

પલસાણા તાલુકાનાં સાંકી ગામે આનંદી રેસીડન્સીમાં રહેતી વૃદ્ધ મહિલાની અઢી માસ અગાઉ હત્યા કરી લાશ સળગાવી દેવાની ઘટનામાં એલસીબી પોલીસે હત્યા કરનાર આરોપીને વરેલી હરીપુરા ત્રણ રસ્તા નજીકથી ઝડપી પડ્યો હતો. મજૂરી કામ ન મળતા આરોપી ચોરીના રવાડે ચડ્યો હતો. અને વૃદ્ધ મહિલાના મકાનમાં ચોરી કરવા ગયા બાદ વૃદ્ધ મહિલાની હત્યા કરી લાશ સળગાવી ભાગી છૂટ્યો હતો.

મૃતક વદ્ધા
મૃતક વદ્ધા

મળતી માહિતી અનુસાર ગત તા-11-02-2022ના રોજ સાંકી ગામાં આનંદી રેસીડન્સીમાં રહેતી 61 વર્ષીય વૃદ્ધ મહિલા કમલાદેવી રામલાલ મૂલચંદ શર્માને કોઈ અજાણ્યો શખ્સ માથાના ભાગે હથિયાર વડે ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી શરીરે ખાવાનું તેલ નાખી આગ લગાવી લાશને સળગાવવાની કોશિશ કરી ભાગી છૂટ્યો હતો. આ હત્યારાને શોધવા માટે એલસીબી પોલીસની અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી અને અલગ અલગ સીસીટીવી કેમેરાની ફૂટેજની ચકાસણી શરૂ કરી હતી.

તે દરમિયાન એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે વૃદ્ધ મહિલાની હત્યા કરનાર શખ્સ કડોદરા ખાતે વરેલીથી હરીપુરા જતાં ત્રણ રસ્તા નજીક ઊભો છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી બાતમી વર્ણન મુજબનો શખ્સ હાજર હોય તેને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ કિરણ બાપુ પાટીલ (રહે, ચલથાણ, રામકબીર સોસાયટી,તા-પલસાણા, મૂળ રહે, વયકલાલ, જી-જલગાવ) નો હોવાનું જણાવ્યુ હતું અને તેણે જ મહિલાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

તેલ નાંખી વૃદ્ધાનો મૃતદેહ સળગાવી દીધો
પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતું કે તે ઔદ્યોગિક એકમોમાં છૂટક મજૂરી કામ કરતો હતો અને કામ નહીં મળતા તેની આર્થિક સ્થિતિ ખરાબ થતાં તે ચોરી કરવાનું નક્કી કર્યું હતું અને તે ચોરીની ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં રહેતો હતો તે દરમિયાન સાંકી ગામે આવેલ આનંદીમાં રેસીડન્સીમાં કમલાદેવીના મકાનમાં ચોરી કરવા ગયો હતો. કમલાદેવી તેને જોઈ જતાં તેણે માથાના ભાગે ઈંટ મારી હત્યા કરી નાંખ્યા બાદ રૂમમાં પડેલ તેલ જેવુ પદાર્થ મહિલાના શરીર ઉપર રેડી સળગાવી ભાગી છૂટ્યો હતો અને તેણે અગાઉ પણ નાની મોટી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ સ્વીચ ઓન થતાં હત્યારો પકડાયો
સાકી ગામે મહિલાની હત્યાં થઈ તે સમયે એક મોબાઈલ પણ ઘટના સ્થળેથી ગાયબ થયો હતો. પોલીસે આ મોબાઈલ સર્વેલન્સ પર રાખ્યો હતો. બીજી તરફ આરોપી કિરણ પાટીલે આ મોબાઈલ ચલથાણ ગામે એક મોબાઈલની દુકાનમાં રીપેરીંગમાં આપ્યો હતો, પરંતુ ઘણા લાંબા સમય સુધી આ મોબાઈલ પરત લેવા માટે નહીં આવતા દુકાનદારે આ મોબાઈલ વેચી દીધો હતો. જે ખરીદનારે એક્ટિવ કરતાં પોલીસ પણ સક્રિય થઈ હતી અને મોબાઈલ ઉપયોગ કરનારને ઊચકી લાવી હતી. જેને આધારે પોલીસ દુકાનદાર સુધી પહોંચી હતી. ત્યાર બાદ પોલીસ કિરણ પાટીલ સુધી પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...