અકસ્માત:કડોદરા પાસે ડીઝલ પતી જતાં અટકેલી ટ્રકમાં ટેન્કર અથડાતાં ડ્રાઇવરનું મોત

પલસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કડોદરા પાસે CNG કટ સામે અકસ્માતમાં ખુરદો બોલેલા વાહનો. - Divya Bhaskar
કડોદરા પાસે CNG કટ સામે અકસ્માતમાં ખુરદો બોલેલા વાહનો.
  • સીએનજી પંપ પાસેની ઘટનામાં ટેન્કરના ડ્રાઇવર-ક્લિનરને પણ ઇજા

કડોદરા નગરની સીમમાં આવેલ સી.એન.જી. પંપ પાસે ને.હા.નં. 48 પર કટ પાસે એક ઉભેલ ટ્રકમાં પાછળથી એક ટેન્કર ચાલકે અથડાતા ટ્રક ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. જ્યારે ટેન્કરના ચાલક અને ક્લીનરને ગંભીર ઇજાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે બન્નેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર 19 વર્ષીય બિક્કુભાઈ કમલાભાઈ પ્રસાદ પોતાના મોટાભાઇ સંદીપભાઈ (બંને રહે.નાના વરાછા, સુરત, મૂળ: યુ.પી.) સાથે ટ્રક GJ 05 BZ 0543પર કલીનરનું કામ કરતો હતો અને તેનો મોટોભાઈ સંદીપ ડ્રાઈવરનું કામ કરતો હતો.

બને ભાઈ વાંસદાથી અનાજ ભરી ગાંધીધામ જવા નીકળ્યા હતા. ગત રવિવારે મોડી રાત્રે બન્ને ભાઈઓ ટ્રક લઈ ને.હા.નં. 48 પર મુંબઈ થી અમદાવાદ તરફ જતાં હતા, તે વેળાએ તેમની ટ્રક કડોદરા સી.એન.જી. પંપના કટ પાસે ટ્રક નું ડીઝલ પૂરું થઈ જતા બંધ થઈ ગઈ હતી. જેથી સંદીપભાઈ ટ્રકમાંથી ઉતારી ડીઝલ લેવા જઇ રહ્યા હતો, ટ્રકના આગળના ભાગે ઉભો હોય, તે વેળાએ પાછળથી એક ટેન્કર MH 04 JK 6499 ના ચાલકે પૂર ઝડપે અને ગફલટભરી રીતે આવી ટ્રકને પાછળથી અથડાતા, ટ્રક સંદીપભાઈ સાથે અથડાઇ હતી જેથી તેઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયુ હતુ.

તેમજ ટેન્કર ચાલક તથા તેના ક્લીનરને પણ ગંભીર ઇજાઓ થતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. આમ આ ઘટનાએ બે ભાઇઓની જોડીને વિખૂટી કરી હતી. આ ઘટનાના સંદર્ભે મરણ જનાર સંદીપભાઈના નાના ભાઈ બિક્કુભાઈ દ્વારા કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન ખાતે ટેન્કરના ચાલક અને ક્લીનર વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાય હતી. પોલીસ દ્વારા બન્ને વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...