કાર્યવાહી:તાંતીથૈયાથી 3 વર્ષની બાળકીનુ અપહરણ કરનાર દંપતી રાજકોટ લઈ જતાં પકડાયું

પલસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકી બિલ્ડિંગ બહાર રમી રહી હતી ત્યારે ત્રણ મહિલા બાળકીને લઇ જતાં CCTVમાં દેખાઇ હતી

તાતીથૈયા ગામના સોની પાર્કમાંથી 3 વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી, જેમાં બાતમીના આધારે રાજકોટ તરફ જઈ રહેલી લકઝરી બસમાંથી બાળકીને એક દંપતીના ચુંગાલમાંથી છોડાવી દંપતીની ધરપકડ કરી હતી.

પલસાણાના તાતીથૈયા ગામના સોની પાર્ક વિસ્તારમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ બિલ્ડીંગની બહાર રમી રહેલી ત્રણ વર્ષની બાળકીને ગત 5મી ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા ઈસમ અપહરણ કરી ગયા હતા.મજે અંગે બાળકીના માતાપિતાએ પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પોલીસ બાળકીના અપહરણની જાણ થતાં જ હરકતમાં આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ ઉપરાંત જિલ્લા એસ.ઓ.જી. અને જિલ્લા એલ.સી.બી.ની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. જેમાં સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરતા ત્રણ મહિલા બાળકીને લઈ જતી નજરે પડતી હતી અને આ મહિલાઓ દાહોદ જિલ્લા અથવા તો મધ્યપ્રદેશની હોવાનું તેના પોશાક પરથી લાગતું હોય પોલીસે મજૂરોના પડાવ પર તપાસ શરૂ કરી હતી, જેમાં એક પડાવમાં સી.સી.ટી.વી.માં દેખાતી મહિલા જેવી જ બે મહિલાની ઓળખ થઈ હતી.

તેમની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બાળકીને બીજુ દેવસિંગ જ્ઞાનસિંગ સિંગાર અને તેની પત્ની લીલા બીજુ દેવસિંગ સિંગાર પોતાની સાથે લઈ ગયા છે. જેથી પોલીસે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા આરોપીઓ રાજકોટ તરફ જતી ખાનગી લકઝરી બસમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે તાત્કાલિક રાજકોટ શહેર, ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને જાણ કરી હતી. પોલીસે નાકાબંધી કરી બસોની તપાસ આરંભી હતી.

આ દરમિયાન રાજકોટ શહેરની એરપોર્ટ પોલીસે એક લકઝરી બસ આંતરી તપાસ કરતા તેમાંથી અપહ્યત બાળકી અને બંને આરોપીઓ મળી આવ્યા હતા. પોલીસે બીજુ સિંગાર અને તેની પત્ની લીલાની ધરપકડ કરી કબ્જો સુરત જિલ્લા પોલીસને સોંપ્યો હતો. પોલીસે ત્રણ વર્ષની બાળકીનો કબ્જો પરિવારજનોને સોંપતા પરિવારજનોએ રાહત અનુભવી હતી.

સંતાનોને ગોંધી માતાપિતા છઠની ખરીદી કરવા ગયા હતા, બાળકો રડતા પાડોશીએ દરવાજો ખોલ્યો હતો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાળકીના માતાપિતા નવા વર્ષના દિવસે તેના ત્રણેય બાળકોને ઘરમાં ગોંધી છઠની ખરીદી કરવા નીકળી ગયા હતા. ત્રણ ચાર કલાક સુધી ગોંધાય રહેતા બાળકો રડવા લાગ્યા હતા. આથી પાડોશીઓએ દરવાજો ખોલી દેતા બાળકો બહાર આવી ગયા હતા. તે દરમિયાન ત્રણ વર્ષની બાળકી રડતી હોય તેને એક દંપતી પોતાની સાથે લઈ ગયું હતું અને ત્યાર બાદ ફરવા લઈ જઈએ એમ કહી તેને પોતાની સાથે રાજકોટ લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...