હુકમ:કડોદરા પાલિકામાં સોમવારથી ચીફ ઓફિસર વહીવટ કરશે

પલસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટદાર શકય નથી એવો હુકમ થયો હતો

કડોદરા નગરપાલિકાની મુદત 14મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થતાં વહીવટદાર તરીકે ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે.

રાજ્યની 51 નગરપાલિકાઓની પાંચ વર્ષની મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી યોજવાની થતી હતી. પરંતુ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે સમયસર ચૂંટણી યોજાઇ શકે એમ ન હોવાથી ચૂંટણી પંચ દ્વારા આગામી ત્રણ માસ માટે ચૂંટણી મુલતવી રાખવાનું નક્કી કર્યું છે. ત્રણ માસ પછી પરિસ્થિતીની પુનઃ સમિક્ષા કરી ચૂંટણી યોજવા અંગે નિર્ણય કરવામાં આવશે. ચૂંટણી મુલતવી રહેતા વહીવટદારની નિમણૂક કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી. જેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે વહીવટદારની નિમણૂંક શકય નથી એવો હુકમ કર્યો હતો.

આ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેનો 9મી ડિસેમ્બરના રોજ ચુકાદો આવ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમણૂક કરવાનો હુકમ કર્યો હતો. જો કે ચીફ ઓફિસરને કોઈ પણ પ્રકારના નીતિવિષયક નિર્ણય લેવાની છૂટ આપી નથી. કડોદરા નગરપાલિકામાં 14 ડિસેમ્બરે ચીફ ઓફિસર મિત્તલ ભાલાળા વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે. પાલિકા બન્યા બાદ કડોદરા પાલિકામાં ભાજપ શાસનનો પ્રથમ પાંચ વર્ષના શાસનનો અંત આવશે.

અન્ય સમાચારો પણ છે...