ગત અઠવાડિયે પલસાણા તાલુકા જોળવા ગામે 11 વર્ષીય બાળકી સાથે થયેલા બળાત્કાર અને હત્યાના પ્રકરણ બાદ પોલીસ તાબડતોડ એક્શનમાં આવી વિવિધ અગમચેતીના પગલાં ભરતી હોવાનું જણાઈ આવ્યું હતું કડોદરા પોલીસે વરેલી તેમજ તાંતીથૈયાના 8 જેટલા બિલ્ડીંગ માલિકો સામે CCTV કેમરા નહિ લગાવવાના કારણે થયેલા જાહેરનામાં ભંગ બદલ કાર્યવાહી કરી જેલના સળિયા ગણાવ્યા હતા.
જોળવામાં પરપ્રાંતીય પરિવારની 11 વર્ષીય બાળાને સામે રહેતા બે સંતાનોના પિતાએ હવસનો શિકાર બનાવી હત્યા કરી હતી. આ પ્રકરણમાં ગુના સ્થળે CCTV કેમેરા નહિ હોવાના કારણે પોલીસને આરોપી સુધી પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે ભૂતકાળમાં પલસાણાના વરેલી ખાતે પણ બાળકી સાથે બનેલા બળાત્કારના બનાવમાં બિલ્ડીંગના CCTV નહિ હોવાના કારણે આરોપી સુધી પહોંચવામાં પોલીસને પસીનો પડ્યો હતો.
4 વર્ષ અગાઉ ચલથાણ ખાતે અંબિકા નગરમાં એક બાળાની હત્યા કરાયેલી લાશ નજીકના ગામના ખેતરમાંથી શંકાસ્પદ મળી હતી, જે ગુનો આજદિન સુધી ઉકેલાયો નથી. આવા અનેક ગુના બન્યા છે. પરપ્રાંતીઓથી ભરચક એવા પલસાણા તેમજ ચલથાણ, વરેલી, જોળવા, તાંતીથૈયા જેવા વિસ્તારમાં હત્યા, બળાત્કાર, અપહરણ, મારમારી જેવા ગુનાઓ છાશના વારે બનતા હોય છે. આવા ગંભીર ગુન્હાઓમાં બનાવની જગ્યાએ બિલ્ડીંગમાં લગાવેલા CCTV કેમેરાની ફૂટેજ પોલીસ માટે ગુનો ઉકેલવામાં તેમજ આરોપીને કોર્ટમાં સજા અપાવવામાં આર્શીવાદ રૂપ સાબિત થતા હોય છે.
જોળવાની ઘટના બાદ એકાએક કડોદરા જી.આઈ ડી.સી પોલીસ પી આઈ.હેમંત પટેલના આગેવાનીમાં પીએસઆઈ પટેલ તેમજ પીએસઆઈ મોરી અને પીએસઆઈ પ્રાણસિંહ સરવૈયાની ગુરુવારે એક ટિમ બનાવી વરેલી તેમજ તાંતીથૈયા વિસ્તારમાં બિલ્ડીંગનું સરપ્રાઈઝ ચેકીંગ કરતા 8 જેટલા બિલ્ડીંગમાં CCTV કેમરાની અત્યંત જરૂરી હોવા છતાં નહિ મળી આવતા પોલીસે 8 જેટલા મકાન મલિક વિરુદ્ધ કલેકટરના જાહેરનામાંના ભંગ બદલ 188ની કલમ હેઠળ ગુન્હો નોંધી અટકાયત કરી કાર્યવાહી કરી બિલ્ડીંગમાં વહેલી તકે કેમરા લગાવવાની સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.