કડોદરાની અરિહંત પાર્ક સોસાયટીમાં હનુમાનજી જયંતી નિમિત્તે થનાર ભંડારામાં એક શખ્સે ગરોળી નાખવાની ધમકી આપતા મહિલાઓ ઉશ્કેરાય ગઈ હતી અને ધમકી આપનાર શખ્સને કહેવા જતાં તે શખ્સ અને તેની સાથેના સાગરીતોએ ચપ્પુ બતાવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી હતી. જેથી મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો. પોલીસે એક મહિલાની ફરિયાદ લઈ દસ ઇસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કડોદરા ખાતે અરિહંત પાર્ક સોસાયટીમાં આવેલ સાલાસર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ ઉજવવા માટે આયોજન ચાલી રહ્યું હતું.
હનુમાનજી મંદિરના પૂજારી ઇંદ્રનંદજી મહારાજ ગુરુવારે રાત્રે હનુમાન જયંતિ માટે સોસાયટીમાં ફાળો ઉઘરાવતા હતા. તે દરમિયાન સોસાયટીમાં જ રહેતો ઈશ્વર સુથાર નામના ઇસમે આ વખતે સોસાયટીમાં ભંડારો નહીં કરવા દઉં અને જો કરશો તો રસોઈમાં ગરોળી નાખવાની ધમકી આપી સાલાસર મંદિરના મહંત ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મહંતે સોસાયટીના રહીશોને ભેગા કરતાં બે પક્ષો સામસામે થઈ ગયા હતા.
હાલ ઇશ્વર સુથાર વરાછા પોલીસ સ્ટેશનની PCR વાન ચલાવે છે
ઇશ્વર છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનના કોન્ટ્રાકટર પર પી.સી.આર.વાન ચલાવતો હોઈ પોતે પોલીસ હોવાનો વહેમ રાખી કડોદરાની સોસાયટીમાં અવાર નવાર પોતે પોલીસ હોવાનો રોફ જમાવતો હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ઈશ્વર સુથાર પોતે પોલીસ હોવાની વાત કરી સોસાયટીના લોકોને ડરાવતો આવ્યો છે. પોલીસની ગાડી સાથેનો ફોટો બતાવી તે લોકોને વારંવાર ધમકી આપતો હોય સ્થાનિકોમાં તેની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ત્યારે પોતાને પોલીસ તરીકે ઓળખવતા શખ્સ સામે કડોદરા જીઆઇડીસી પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.