પલસાણા તાલુકાનાં વરેલીમાં ટી-શર્ટ અને લોઅર કાપડ લાવી જાતે સીવી કપડા બનાવી તેના પર બ્રાન્ડેડ કંપનીઓના લોગો લગાવી લોઅર અને ટી-શર્ટ બનાવતું કારખાનુ ઝડપાયું છે. સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે રેડ કરી 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે.
એલસીબીની ટિમ કડોદરા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમીયાન હે.કો ચીરાગભાઇ તથા હે.કો રાજેશભાઇને બાતમી મળી હતી કે પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ દત્તકૃપા સોસાયટીના લક્ષ્મી કોમ્પલેક્ષના પ્રથમ માળે ટીશર્ટ તેમજ લોઅર પેન્ટ બનાવી તેની ઉપર બ્રાન્ડેડ કંપની જેમકે પુમા, નાઇક, એડીદાશ ના લોગો લગાવી ઓનલાઇન તેમજ છુટક વેચાણ કરી રહ્યા છે.
જે બાતમી આધારે સુરત ગ્રામ્ય એલસીબીની ટીમે સ્થળ પર જઇ રેઇડ કરતા બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવેલ ટીશર્ટ, લોઅર, કાપડના રોલ, સીલાઇ કરવાની અલગ અલગ મશીનો કાપડ મળી કુલ રૂ,1187750 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કારખાનુ ચલાવનાર દેવતાપ્રસાદ અયોધ્યા પ્રસાદ પાંડે (ઉ.વ 46 ૨હે વરેલી દત્તકુપા સોસાયટી લક્ષ્મીકોમ્પલેક્ષ મુળ રહે યુપી )તથા મુકેશ કુમાર રાજેન્દ્રપ્રસાદ વર્મા (ઉ.વ 37 રહે કડોદરા, મુળ રહે બીહાર) જેઓને પોલીસે ઝડપી પાડી ગુનો નોંધી હાલ કોપી રાઈટ એકટ હેઠળ ગુન્હો નોંધ્યા બાદ બ્રાન્ડેડ કંપનીના જવાબદાર વ્યક્તીનો સંપર્ક કરી આ મામલે આગળની તજવીજ હાથધરી છે.
કપડા જાતે બનાવી અસ્ત્રીથી લોગો લગાવવામાં આવતો હતો
પોતાના કારખાનામાં કાપડના રોલ લાવી વિવિધ સાઈઝમાં સીવી તેના પર ગરમ અસ્ત્રી વળે બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવી ડુપ્લિકે બ્રાન્ડેડ ટીશર્ટ અને લોઅર બનાવતા હતા અને નામાંકિત મિશો અને ફ્લિપકાર્ટ જેવી કંપનીમાં ઓનલાઈન વેચાણ કરતા હતા પોલીસે કારખાના માંથી વિવિધ બ્રાન્ડેડ કંપનીના સંખ્યાબંધ લોગો જપ્ત કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.