કાર્યવાહી:કડોદરા હનુમાન મંદિરે યુવાનનો મોબાઇલ અને રોકડ લૂંટી ચપ્પુ માર્યુ

પલસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક બહેન અને ભાણેજને યુપીથી ઉંભેળ મૂકવા આવ્યો હતો, સ્મીમેરમાં દાખલ

યુ.પી ખાતે રહેતો યુવાન તેની બહેન અને ભાણકીને મૂકવા ઉંભેળ આવ્યો હતો અને ત્યાંથી કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયો હતો તે સમયે ત્રણ અજાણ્યાએ તેને છાતી તેમજ પેટના ભાગે ચપ્પુના ઘા મારી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા. ઉંભેળ ગામે રોયલ કોમ્પ્લેક્ષમાં સંજીવકુમાર દિનેશચંદ્ર દુબે પત્ની છાયાદેવી તથા પુત્રી શિયા સાથે રહે છે. તેમની પત્ની અને પુત્રી યુ.પી વતનમાં ગયા હતા અને 23-12-2021ના રોજ તેમનો સાળો આદિત્યકુમાર પાંડે (રહે, શીરશીયા, તા-ગૌરીબજાર, યુ.પી) છાયાદેવી અને શિયાને ઉભેળ મૂકવા આવ્યો હતો.

7 જાન્યુઆરી 2022ના રોજ પરત વતન જવાનો હતો. ગતરોજ સાંજના આદિત્યકુમાર કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ઘરે આવવા નીકળ્યો હતો. તે સમયે પાછળથી આવેલ ત્રણ અજાણ્યાએ આદિત્યકુમારના ખિસ્સામાંથી 400 રૂ. કાઢી લીધા હતા અને મોબાઈલ ફોન ઝૂંટવવાની કોશિશ કરતાં આદિત્યએ પ્રતિકાર કરતાં ત્રણેયએ તેને માર માર્યો હતો અને આદિત્યને છાતી તેમજ પેટ અને પગના ભાગે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને મોબાઈલ અને રોકડ લઈ ભાગી છૂટ્યા હતા.

આ ત્રણેય 20થી 25 વર્ષની ઉંમરના જણાતા હતા અને હિન્દી ભાષા બોલતા હતા. આદિત્યકુમારને ઇજા પહોંચતા ચલથાણ સંજીવની હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે સંજીવકુમારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...