કડોદરા વિસ્તારના કડોદરા સી.એન.જી. પંપ પાસે રોજબરોજ લાગતી વાહનોની લાંબી કતાર હાઈવે ઓથોરીટીની નિષ્ફળતાને પ્રકાશિત કરી રહી હોય તેમ સ્પષ્ટ દ્રશ્યમાન થઇ રહ્યુ છે. વારંવાર સ્થાનિકો દ્વારા ઓવરબ્રીજની માંગ કરવા છતા આ સ્થળ પર ઓવરબ્રીજ ન બનાવતા રોજબરોજ હાઇવે પર વાહનોની 5 થી 6 તો કોઈક વાર તો 10 થી 12 કિ.મી. લાંબી વાહનોની કતારો લાગતી હોય છે.
ચલથાણ ગામમાં રહેતા વ્યક્તિએ કોઈ કારણોસર કડોદરા જવુ હોય તો માત્ર ૩ કિ.મી. નું અંતર કાપી ફક્ત આવવા જવા માટે પણ તેમણે લગભગ ૧ થી ૨ કલાકના સમયનો ભોગ આપવો પડતો હોય છે.
અકસ્માતમાં અનેકનો ભોગ લેવાયો છતાં તંત્ર ઉંઘમાં
ગતરોજ મોડી સાંજે લગભગ ૭ વાગ્યાના સુમારે જ એક દંપતીને એક અજાણ્યા વાહન ચાલક દ્વારા અડફેટે લેતા દંપતી પૈકી પતિનું સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ, તો પત્નીને ગંભીર ઈજાઓ થઇ હોવાથી તેને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હોવાની ઘટના પણ બની હતી. તો આવા જીવલેણ અકસ્માતો પણ આ સ્થળે સર્જાતા હોય તો હાઈવે ઓથોરીટીની ઊંઘ હવે ક્યારે ખૂલે તે જોવુ રહ્યુ.
ટોલ ઉઘરાણીમાં પાવધરૂ તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ
હાઈવે પર મોટા મોટા ટોલની રકમોના ઉઘરાણા કરતી હાઈવે ઓથોરીટી પ્રજાજનોની આ સમસ્યા પર ધ્યાન આપી પ્રજાલક્ષી કામગીરી પણ કરે તે ખૂબ જરૂરી છે.જોકે આ સ્થળ પર સ્થાનિકો દ્વારા ઓવરબ્રીજ બનાવવાની પણ માંગ કરાય હોવા છતા હાઈવે ઓથોરીટી તે વાતની ગણના કરે છે કે નહી? તે પણ એક મોટો પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.