તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વણેસા ગામે રસીકરણ મામલે ગ્રામજનોએ હોબાળો કર્યો

પલસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરત શહેરમાંથી આવતા લોકોને રસી મુકાતા ગ્રામજનોને રસી નહિ મળતી હોવાનો આરોપ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. સુરત શહેરમાંથી આવતા લોકોમાં 18થી 45 વર્ષના લોકોને પણ રસી મૂકી આપવામાં આવે છે અને ગામના લોકોને રસી મૂકવાની ના પાડવામાં આવતા ગ્રામજનો ઉશ્કેરાઇ ગયા હતા. ખુદ પલસાણા તાલુકા ભાજપ પ્રમુખની આગેવાનીમાં ગ્રામજનોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોબાળો મચાવતા હાલ આરોગ્ય કેન્દ્ર પર તમામ કામગીરી બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં વણેસા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોરોના રસીકરણ અંતર્ગત લાભાર્થીઓને રસી મૂકવામાં આવી રહી છે. બે દિવસથી વેકસીનનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતા ન હોય રસીકરણને લઈને વિવાદ ઉભો થયો છે. ગ્રામજનોનો એવો આરોપ લગાવી રહ્યા છે કે ગામમાં સુરત શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો રસી મૂકાવવા માટે આવે છે. સુરતથી આવતા 18થી 45 વર્ષના યુવાઓને પણ વણેસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા રસી મૂકવામાં આવી રહી છે.

પરંતુ ગામના લોકો રસી મૂકવવા જાય તો તેમને ના પાડી દેવામાં આવે છે. આથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ પણ આ મુદ્દે બબાલ થઈ હતી. ત્યાર બાદ આજે બીજા દિવસે સવારે પણ ગ્રામજનોએ સ્થળ પર પહોંચી આરોગ્ય વિભાગ પર હોબાળો મચાવ્યો હતો.

બીજી તરફ આરોગ્ય તંત્રનું કહેવું છે કે, ગ્રામજનોને પહેલા ડોઝમાં કોવિશિલ્ડ રસી મૂકવામાં આવી હતી. જેનો જથ્થો આવતો નથી જેને કારણે બીજા ડોઝમાં વિલંબ થઈ રહ્યો છે. જ્યારે હાલ માત્ર કોવેક્સિન રસી જ આવી રહી છે. જે પણ ઓછી માત્રામાં હોય જથ્થો વહેલો પૂરો થઈ જતો હોય છે. ગ્રામજનોના હોબાળા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓએ હાલ તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ બંધ કરી દીધું છે.

કપરા કાળમાં પણ આરોગ્ય કેન્દ્ર બંધ કરી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પલસાણા મામલતદાર સાથે પણ ગ્રામજનોએ બેઠક કરી યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજી સુધી કોઈ ઉકેલ નહીં આવતા હાલ આરોગ્ય કેન્દ્રમાં તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે.

NRI દ્વારા પીએચસીને સહાય કરાય છે
વણેસા ગામના લોકો અને એનઆરઆઇ દ્વારા પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આર્થિક સહાયતા કરવામાં આવે છે. નજીકના ભૂતકાળમાં ગામના એનઆરઆઇઑ દ્વારા AC અને ઇન્વર્ટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવા માં આવી હતી. આ જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આજે ગામના લોકોની અવગણના કરતું હોય ગ્રામજનોમાં આરોગ્ય કેન્દ્રના તબીબ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને આથી જ ખૂબ તાલુકા ભાજપ પ્રમુખ અને ગામના આગેવાન જિગ્નેશ પટેલે ગ્રામજનો સાથે મળી હોબાળો મચાવ્યો હતો.

વણેસા ગામમાં 30 જેટલા એક્ટિવ કેસ
વણેસા ગામમાં હાલ 30 જેટલા કેસો એક્ટિવ છે. જેમાં 8થી 10 વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા જ ગામના બે યુવાનોના પણ કોરોના મહામારીએ જીવ લીધો છે. આથી ગ્રામજનોને વેક્સિન નહીં મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...