ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આગામી 7 મે ના રોજ કડોદરા ખાતે આવવાના હોય જે માટે કડોદરા ખાતે બેનરો લગાવવામાં આવ્યા હતા. જે બનરો કોઈ અજાણ્યા શખ્સોએ ફાડી નાંખતા રાજકારણ ગરમાયું છે. બાઇક ઉપર આવેલ અજાણ્યા શખ્સોએ આ બનેરો ફાડી નાંખ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી અનુસાર વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 7 મે ના રોજ સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવવાના હોય જેથી સુરત જિલ્લા ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભાજપ દ્વારા કડોદરા ખાતે ગતરોજ પલસાણાના હરિપુરા ગામના પાટિયા થી કડોદરા ચાર રસ્તા સુધી પાર્ટી અધ્યક્ષને સ્વાગત કરતા બેનરો લગાવવામાં આવ્યા હતા. પરંતુ બુધવારે મળસ્કેના સમયે અઢી થી ત્રણ વાગ્યાની આસપાસ કોઈ અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા હતા.
આ સમગ્ર ઘટના હાઈવેની બાજુની એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મોટરસાઇકલ પર આવેલ કેટલાક અજાણ્યા શખ્સોએ આ બેનરો ફાડી નાંખ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવે તે પહેલા જ બેનરો ફાટતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. ઘટના અંગે કડોદરા ભાજપ સંઘઠન દ્વારા પોલીસ ફરિયાદની તૈયારી હાથ ધરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.