છેતરપિંડી:મકાન પર લોન છતાં, બીજાને વેચી દસ્તાવેજ બનાવી આપ્યો

પલસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરાજીમાં છેતરાયેલા યુવાને જ મકાન ખરીદ્યું અને મૂળ માલિક સામે ગુનો નોંધાવ્યો

સુરત શહેર ખાતે રહેતા એક ઇસમે કડોદરા હરિધામ સોસાયટીમાં આવેલા તેના મકાન ઉપર મુથ્થુટ ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હતી. તેમ છતાં આ મકાન એક યુવાનને 11 લાખમાં વેચી દીધું હતું ત્યારબાદ આ ઇસમે મકાન ખરીદનારને ખોટો દસ્તાવેજ તેમજ સબ રજીસ્ટાર કચેરી પલસાણાના ખોટા સહી સિક્કા કરી આપ્યા હતા. મકાન વેચનાર ઇસમે લોનના હપ્તા ન ભરતા મુથ્થુટ ફાઇનાન્સના માણસો મકાનની હરાજી કરવાનું જણાવતા યુવાન સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેણે કડોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કડોદરા ખાતે હરિધામ સોસાયટીમાં મકાન નંબર 133માં રહેતા રાજકુમાર કાશીનાથ ચૌધરી (ઉ.વ.21) કે જેઓ કડોદરા ખાતે એમબ્રોડરી ખાતામાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2015માં કડોદરાની આ હરિધામ સોસાયટીમાં તેઓ ભાડેથી રહેતા હતા. પરંતુ મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહેતા તેઓ આજ સોસાયટીમાં મકાન ભાડે શોધી રહ્યા હતા.

તે સમયે સુરત શહેરના વરાછારોડ ઉપર આવેલા હીરાબાગ ઇ.ડબલ્યુ.ક્વાટર્સ માં રહેતા ભરતભાઇ બુદ્ધાભાઈ ચૌધરીનું કડોદરા હરિધામ સોસાયટીમાં આવેલ 133 નંબરનું મકાન ખાલી હોય જેથી રાજકુમારે ભરતભાઇનો સંપર્ક કરતાં ભરતભાઇએ જણાવ્યુ હતું કે આ મકાન મારે વેચી દેવાનું છે. જેથી રાજકુમારે આ મકાન 11 લાખમાં ખરીદ્યું હતું. થોડા થોડા કરીને ભરતભાઇને 11 લાખ પુરા ચૂકવી નાખ્યા હતા, જે બાદ ભરતભાઇએ મકાનની ચાવી આપતા તેઓ પરિવાર સાથે રહેવા આવી ગયા હતા. રાજકુમારે ભરતભાઇને મકાનના 11 લાખ પણ ચૂકવી દીધા હતા.

ત્યારબાદ રાજકુમારે દરસ્તાવેજ કરવાનું કહેતા ભરતભાઇએ ડિસેમ્બર 2017માં દસ્તાવેજ સબરજીસ્ટર કચેરી પલસાણાના દસ્તાવેજ નંબર 2074/2017PSN 22 નો આપ્યો હતો. આ દસ્તાવેજ લઈ રાજકુમાર આઈ.ડી.બી.આઈ બેન્કમાં લોન કરાવવા જતાં જાણવા મળ્યું હતું કે આ દસ્તાવેજ ખોટો છે. જેથી રાજકુમારે તપાસ કરાવતા આ દસ્તાવેજ નંબર ખરભાસી ગામે એક મકાનનો છે. ત્યારબાદ ભરતભાઇને ફોન કરતાં તેઓ ફોન ઉપાડતાં ન હતા.

ત્યારબાદ બે ત્રણ મહિના બાદ મુથ્થુટ ફાઇનાન્સ કંપનીના માણસો તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યુ હતું કે ભરતભાઇ ચૌધરી ક્યાં છે. તેમણે મુથ્થુટ ફાઇનાન્સમાં આ મકાન ગિરવી મૂક્યું છે. તેના ઉપર લોન લીધી છે અને તેઓ હપ્તા ભરતા નથી જેથી રાજકુમારે ઘરનો દસ્તાવેજ બતાવતા દસ્તાવેજ ખોટો હોવાનું જણાવ્યું હતુ. ભરતભાઇ હપ્તા ન ભરતા મકાનની હરાજી કરવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ રાજકુમારે ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ સાથે મકાનની નક્કી કરેલ કિંમત રૂ. 7. 85 લાખ ચૂકવી હતી. જેથી ભરતભાઇએ મકાન ઉપર લોન લઈ હપ્તા ન ભરી ખોટો દસ્તાવેજ કરી આપી રાજકુમાર સાથે 19 લાખની છેતરપિંડી કરતાં રાજકુમારે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...