હત્યા:તું મારા સસરા સાથે કેમ ઝગડે છે ? કહી જમાઈએ હળપતિ યુવકની હત્યા કરી

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ તાલુકાના સરોલી ગામની ઘટના

ઓલપાડ તાલુકાના સરોલી ગામે સસરા-જમાઈએ નજીવી બાબતના સામાન્ય ઝઘડામાં એક શ્રમજીવી હળપતિ યુવાનનું ખૂન કરી બંન્ને ફરાર થઈ જતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ઓલપાડ તાલુકાના સરોલી ગામે પટેલ મહોલ્લામાં ગણપતભાઈ ચુનિલાલ પટેલ અને તેમનો જમાઈ ચેતન ઠાકોરભાઈ પટેલ રહે છે. ગત શનિવાર,તા-૦૯ ના રોજ રાત્રે આઠ કલાકના સુમારે સરોલી ગામના જુના હળપતિ વાસમાં રહેતો હળપતિ યુવાન દિવ્યાંગ ગુણવંત ભાઈ રાઠોડ (ઉ.વ.૨૦)તેની ડીયો ગાડી નંબર- GH-05,EZ-901 લઈને પટેલ મહોલ્લામાં આરોપીના ઘરના આંગણામાંથી પસાર થતો હતો.

તે સમયે આરોપી ગણપત પટેલે તેને કહ્યું હતું કે,તું કેમ તારી ગાડીનો અવાજ કરે છે?તમે નીચ જાતિના લોકો ક્યાંથી આવી ગયા છો?તેમ કહી જાહેરમાં તેને જાતિવિષયક અપમાનજનક શબ્દો અને માં-બેન સમી ગાળો બોલી ઝગડો શરૂ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી.આ ઝઘડો સાંભળી ગણપત પટેલનો જમાઈ ચેતન ઠાકોર ભાઈ પટેલ તેના હાથમાં કંઈક બોથર્ડ પદાર્થ જેવી વસ્તુ લઈને ઘટના સ્થળે દોડી આવ્યો હતો.તેણે પણ હળપતિ યુવાન સાથે બોલાચાલી કરતા કહ્યું કે,તું મારા સસરા સાથે કેમ ઝગડો કરે છે?તેમ કહી તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો

અને મૃત પામેલ દિવ્યાંગના માથાના ભાગે બોથર્ડ પદાર્થ મારી તેને રોડ પરના બ્લોક ઉપર પાડી દીધો હતો.ત્યારબાદ તેણે દિવ્યાંગના માથામાં મુઢ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ખુન કર્યું હતું અને સસરા-જમાઈ બંન્ને ત્યાંથી ભાગી છૂટ્યા હતા.જયારે ગંભીર ઈજાગ્રસ્ત દિવ્યાંગને તેના પરિવારજનો સારવાર અર્થે સુરત ખાતેની નવી સિવિલ હોસ્પિટલ માં લઈ ગયા હતા.

જ્યાં સારવાર મળે તે પહેલા જ દિવ્યાંગનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.આ બાબતે મૃતક યુવાનના ભાઈ મહેશ ગુણવંત રાઠોડે સુરત સિવિલ હોસ્પિટલમાં ઓલપાડ પીઆઇ વસાવા સમક્ષ રૂબરૂ ફરિયાદ આપી હતી. જેના પગલે પોલીસે સસરા-જમાઈ વિરૂધ્ધ ઇપીકો કલમ-302,504,114 તથા અત્યાચાર નિવારણ સુધારણા અધિનિયમ મામલે એટ્રોસિટીનો ગુનો નોંધ્યો છે.આ ગુનાની વધુ તપાસ ઓલપાડ પોલીસ મથકના પીઆઇ આર.આર.વસાવા કરી રહ્યા છે.

ઘટના બાદ સસરા અને જમાઈ બંને ફરાર
સરોલી ગામના પટેલ મહોલ્લામાં રહેતા ગણપત ચુનિલાલ પટેલ તથા ત્યાં જ રહેતો તેમનો જમાઈ ચેતન ઠાકોરભાઈ પટેલ બંન્ને સસરા-જમાઈ આરોપીઓ હળપતિ યુવાનનું ખૂન કરી ભાગી છૂટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...