ઓલપાડ તાલુકાના કીમ વિસ્તારમાં રહેતા ઉપાધ્યાય પરિવાર(પૂંજા ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ કીમ) દ્વારા મૂળદ ગામે રહેતા આદિવાસી પરિવારોને નવા ઘર બનાવી આપવાના હોઈ જેનું ખાતમુહૂર્ત ગુરુવારના રોજ કરવામાં આવ્યું હતું.
આ અંગે મળતી વિગત મુજબ ઓલપાડના કીમ-કઠોદરા વિસ્તારમાં રહેતા બે ભાઈઓ આનંદભાઈ ઉપાધ્યાય અને અજયભાઈ ઉપાધ્યાય બન્ને ભાઈઓ પિતા વિક્રમાદિત્ય ઉપાધ્યાયના સંસ્કાર અને માર્ગદર્શનથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને ઘર બનાવી આપવાનું ભગીરથ કાર્ય કીમ વિસ્તારમાં કરી રહ્યા છે.
આ ઉપરાંત વિસ્તારમાં સતત અનેક સેવાકાર્યો થકી સેવાની જ્યોત પ્રગટાવી જરૂરિયાતમંદોની વ્હારે જોવા મળતા હોય છે.ત્યારે ઉપાધ્યાય પરિવારે કીમ નજીકના મૂળદ ગામે ખુબજ દયનિય સ્થતિમાં રહેતા આદિવાસી પરિવારોને નવા ઘર બનાવી આપી તેમજ કેટલાક મકાનો સમારકામ કરાવી આપવાનો લીધેલો સંકલ્પ ખરા અર્થમાં સમાજ સેવા થઈ રહી હોવાનું પ્રતિત થાય છે.
જે અંતર્ગત ગુરુવારના રોજ મૂળદ ગામની પાટિયાં કોલોનીમાં આવેલા ગરીબ આદિવાસી પરિવારો જે અંત્યંત જર્જરિત ઘરોમાં રહેતા આવ્યા છે જેમાં 5 જેટલા નવા ઘર અને 5 જેટલા મકાનોને સમારકામ કરાવી પતરા, દીવાલો બનાવી યોગ્ય કરવાની કામગીરી હાથ ધરી હતી. આ પ્રસંગે ખાતમુહૂર્ત ત્યાંજ રહેતા ગરીબ પરિવારની નાનકડી દીકરીના હસ્તે તેમજ ગામના સરપંચ,સભ્યોના હસ્તે કરવામાં આવ્યું હતું. એક મહિનામાં કામગીરી પૂર્ણ કરી ગરીબ પરિવારોને સારા યોગ્ય મકાનોમાં ગૃહ પ્રવેશ કરાવશે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે આનંદ ઉપાધ્યાય, અજય ઉપાધ્યાય, સરપંચ વાસુભાઈ, અજય રામાણી, ભાવિનભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છેકે ઉપાધ્યાય પરિવારે ગત મહીને જ કઠોદરાના 5 પરિવારોને 12 લાખના ખર્ચે નવા મકાન બનાવી આપી વિધિવત ગૃહ પ્રવેશ કરાવી ચુકયા છે. સદર સેવા કાર્યની કીમ વિભાગમાં ચોતરફ પ્રશંશા થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.