સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના લાંબી દાઢી અને મૂંછના શોખીન યુવાન તેજસ પટેલે ગાંધીનગર ખાતે યોજાયેલી સ્પર્ધામાં ‘મિસ્ટર બ્રેઇન વીથ બિયર્ડ’ તથા સુરત શહેરના શ્યામલ દાનેજે ‘મિસ્ટર હેન્ડલબાર મુસ્તાછે’નો ખિતાબ પોતાનાં નામે કરી સુરત જિલ્લાના લીમોદરા ગામ સહિત શહેરના ગૌરવમાં વધારો કર્યો છે.
દેશના જુદા-જુદા રાજ્યોમાં લાંબી દાઢી અને મૂંછ રાખવાના શોખીનો પોતાનું આગવું એસોસિએશન ચલાવી સ્પર્ધાઓ યોજે છે.આવા શોખીનોના એસોસિએશને તાજેતરમાં ગાંધીનગર મુકામે ‘બિયર્ડ મોડેલ શો’ની ઇન્ટરનેશનલ સ્પર્ધા યોજી હતી. આ સ્પર્ધાનું આયોજન શિવાયસિંહ દ્વારા કરવામાં આવતા શો માં બિયર્ડ માટેની વિવિધ પ્રકારની સ્પર્ધામાં દેશના જુદા-જુદા રાજ્યના ભરાવદાર લાંબી દાઢી અને મૂંછના શોખીન એવા કુલ 68 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સુરત બિયર્ડ ક્લબમાં નોંધાયેલા 23 મેમ્બરોમાંથી છ મેમ્બરો પૈકી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના લીમોદરા ગામના તેજસ રમેશભાઈ પટેલ તથા સુરત શહેરના ઉધના દરવાજા મુકામે રહેતા શ્યામલ દાનેજે સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં તેજસ રમેશભાઈ પટેલની ભરાવદાર લાંબી દાઢી, મૂંછ સાથેની આકર્ષક એન્ટ્રીના પગલે તેમણે ‘મિસ્ટર બ્રેઇન વીથ બિયર્ડ’નો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. જ્યારે શ્યામલ દાનેજે ‘મિસ્ટર હેન્ડલબાર મુસ્તાછે’નો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધાના આયોજકોએ ખિતાબ જીતનાર બંન્નેને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરતા લીમોદરા ગામ સહિત શહેરના ગૌરવમાં વધારો થયો છે. તેજસ પટેલે 2019માં મિસ્ટર ગુજરાતનો ખિતાબ કબજે કરી સન્માન મેળવી ચુક્યા છે. જ્યારે ખિતાબ જીતનાર તેજસ પટેલ અને શ્યામલ દાનેજે જણાવ્યું હતું કે, અમારો હવે પછીનો ટાર્ગેટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવવાનો હોવાથી અમોને વિશ્વાસ છે કે, અમો આવનારા દિવસોમાં આ સિદ્ધિ પણ હાંસલ કરીને જ રહીશું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.