મોતના ગુનાની પોલ ખુલી:સ્યાદલા પાસે નહેરમાંથી મળેલી મહિલાનું મોત ડૂબવાથી નહીં, તેની હત્યા થઇ હતી

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડ પોલીસે નોંધેલા મહિલાના અકસ્માતે મોતના ગુનાની પોલ ખુલી

ઓલપાડ પોલીસ મથકમાં 20 દિવસ પહેલા સેગવા સ્યાદલા એક અજાણી મહિલાની લાશ તણાઈ આવી આવી હતી. આ મામલે અકસ્માત મોતના ગુનાની પોલ મૃતક મહિલાના પી.એમ.રિપોર્ટે ખોલી નાંખી છે. જેના પગલે ઓલપાડ પોલીસે અકસ્માત મોત ગુનાના બદલે મર્ડર ગુનાની કલમો નોંધી તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વિગત મુજબ ગત તા.30 મી નવેમ્બરના રોજ સેગવા સ્યાદલા ગામના ખેડૂત અરૂણભાઈ ઠાકોરભાઈ પટેલે ઓલપાડ પોલીસ મથકમાં તેમના ગામની હદમાં સેગવા સ્યાદલા ગામથી વસવારી તરફ જતા રોડ ઉપર કાકરાપાર-અટોદરા જમણા કાંઠા માઈનોર નહેરનાં નાળામાં એક અજાણી સ્ત્રી(ઉ.વ.આશરે 30 થી 35)ની ડી-કમ્પોઝ હાલતમાં લાશ તણાઈ આવેલ હોવાની જાણ કરી હતી.આ મામલે ઓલપાડ પોલીસે મૃતક મહિલાની લાશનો કબજો લઈ તપાસ કરતા મૃતક સ્ત્રીના જમણા હાથ ઉપર દીલના ચિત્રથી છુંદણામાં અંગ્રેજીમાં ‘M’ તથા તેના નીચે અંગ્રેજીમાં “MNEENA” લખેલ હતું. જયારે ડાબા હાથના કાંડા ઉપર અંગેજીમાં ‘J’અક્ષરનું છુંદણું કોતરાવેલ હતું.

આ અજાણી સ્ત્રી નહેરના પાણીમાં કોઈ અગમ્ય રીતે પડી જતા મોત થયું હોવાના અનુમાન સાથે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો અને મૃતક મહિલાની લાશનું ત્રણ ડોક્ટરોની પેનલ દ્વારા સરકારી મેડીકલ કોલેજના ફોરેન્સીક વિભાગ, સુરત ખાતે પી.એમ. કરાવ્યું હતું.ગત-18, રવિવારના રોજ પી.એમ.કરનાર તબીબોએ મૃતક મહિલાના મોત મામલે રિપોર્ટ આપ્યો હતો કે, મહિલાનું મોત પાણીમાં ડુબી જવાથી નહીં, પરંતુ તેણીના શરીરે તિક્ષણ હથિયારના ઘા મારતા તેણીને શરીરે ગંભીર ઈજા પહોંચતા તેનું ખુન થયું છે.

જયારે ખુનના પુરાવા નાશ કરવા મૃતક મહિલાની લાશ નહેરના પાણીમાં નાંખી દેતા તણાઈ આવેલ છે.જેથી આ મામલે ઓલપાડ પોલીસ મથકની સાયણ આઉટ પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા પીએસઆઇ કેતન ચૌધરીએ મર્ડર ગુનાની ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે ઓલપાડ પોલીસે મહિલાના અકસ્માત મોતના બદલે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઇપીકો કલમ-302,201 મુજબ ગુનો નોંધી તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...