ઓલપાડ તાલુકાના માસમા ગામે રહેતી એક વિધવાના સ્વર્ગસ્થ પતિએ બે દિકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે સુરત શહેરની એક વ્યાજખાઉં મહિલા પાસે રકમ વ્યાજે લીધેલ હતી. જોકે આ વ્યાજખાઉં મહિલાએ બાકી રકમની માંગણી ઊંચા વ્યાજ સાથે કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો મામલો ઓલપાડ પોલીસ મથકમાં પહોંચ્યો છે, જેના પગલે ગેરકાયદે વ્યાજનો વેપલો કરતા વ્યાજ ખાધરા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
માસમા ગામે વાઇબ્રેન્ટ કેમ્પસ પાસે આવેલ ગ્રીનવુડ રેસીડન્સીના મકાન નંબર 75માં આનંદીબેન મનોજકુમાર મોહન પટેલની વિધવા(58) દોઢ વર્ષથી તેમની બે દિકરી પૈકી વિનિષા(28)તથા લવિના(26)સાથે રહે છે. બંન્ને દિકરીઓ એન્જીનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી વર્ક ફ્રોમ હોમનું ઓનલાઇન કામ કરી તેઓનું ગુજરાન ચલાવે છે.
જયારે આનંદીબેનના પતિ મનોજભાઈ પટેલ અગાઉ સુરત SMC વર્કશોપ ઓફીસમાં ઓ.એસ. તરીકે ફરજ બજાવી સને-2020માં નિવૃત્ત થયા હતા. પરંતુ કોરોનાની લહેર દરમ્યાન તેમનું ગત તા.25/08 /2021 ના રોજ મૃત્યુ થયું હતું. જયારે ફરિયાદી વિધવા આનંદીબેને ગત સોમવાર 09ના રોજ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે કે, મારા સ્વર્ગસ્થ પતિએ મારી દિકરીઓના અભ્યાસ માટે અલ્પાબેન મહેન્દ્રકાંત શાહ(હાલ રહે,ડી-3,પંચરત્ન એપાર્ટમેન્ટ, અલીયાવાડી ,મહિધરપુરા પોલીસ સ્ટેશનની પાછળ, સુરત શહેર)પાસેથી રૂ.98,000ની રકમ ગત તા.21/04/2015 ના રોજ વ્યાજે લીધી હતી.
જોકે,પતિના મૃત્યુ પછી ગત સપ્ટેમ્બર-2021માં અલ્પા શાહ તેના ઘરે ઉઘરાણીએ આવી તેને કહ્યું હતું કે,આ હિસાબની વિગત મારી તથા તમારા પતિ બંન્નેની ડાયરીમાં લખેલ છે. જો કે તે સમયે જ આ વાતની જાણ ફરિયાદી વિધવાને થતા તેણે હિસાબ લખેલ ડાયરી શોધ્યા બાદ હિસાબ ચેક કરવાની ખાતરી આપી હતી.
તે સમયે અલ્પા શાહે એક કાગળમાં હિસાબ લખી આપતા કહ્યું હતું કે, મેં વ્યાજે આપેલ રૂ.98000 પૈકી તમારા પતિએ મને ગત તા.12/05/ 2015 ના રોજ રૂ 49000 નો ચેક આપ્યો હતો, જેથી હવે બાકીની મુદ્દલ રકમ રૂ. 50,000 તથા અત્યાર સુધીના વ્યાજ સાથે કુલ રકમ મળી રૂ.1.99 લાખની રકમ મને આપવાની થાય છે.
જયારે ફરિયાદી વિધવાએ ત્યારબાદ મૃતક પતિની ડાયરી શોધી હિસાબ ચેક કર્યા બાદ અલ્પા શાહ ફરી ઉઘરાણીએ તેના ઘરે આવી હતી. આ સમયે ફરિયાદી મહિલાએ હિસાબ રજૂ કરી જણાવ્યું હતું કે, મારા પતિની ડાયરીમાં તમારા સેટલમેંટ હિસાબના લખાણ મુજબ તમને માત્ર એક મહિનામાં જ તા.12/05/2015 ના રોજ બેંક ચેકથી રૂ.49,000 ચૂકવી દીધા હતા. ત્યારપછી અવાર-નવાર વ્યાજ ચુકવેલ હોવાથી તમને હવે માત્ર રૂ.50,000ની રકમ જ આપવાની થાય છે,
તે રકમ હું તમને ચુકવી દઇશ.જેથી તેમણે ગત તા.02/06/2022 ના રોજ રૂ.49,000 ની રકમનો ચેક અલ્પાબેન શાહના નામનો લખી રકમ ચૂકવી દીઘી હતી.જો કે તે સમયે આ વ્યાજખોર મહિલાએ તમારી રકમ રૂ. 49,000 તથા તેનું વ્યાજ રૂ.1.50 લાખ મળી કુલ રૂ.1.99 લાખ બાકી હોવાથી તમારે આ રકમ ઓગસ્ટ માસમાં ચૂકવી દેવા વિધવાને ધમકાવી હતી.
જયારે આરોપી મહિલા ગત શુક્રવાર,તા. 06ના રોજ ફરી આનંદીબેનના ઘરે આવી ગાળો આપી બાકી રૂપિયાની માંગણી કરી ધમકી આપી હતી કે, જો તું મને આ રકમ ન આપશે તો હું તને જાનથી મારી નાંખીશ, જેના પગલે વિધવાએ અલ્પા મહેન્દ્રકાંત શાહ વિરૂધ્ધ ઉંચા દરે વ્યાજ સાથે રૂપિયાની ઉઘરાણી કરી પરિવારજનોનું જીવવાનું હરામ કરી દેવાની ધમકીઓ આપવા બદલ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી, જેના પગલે પોલીસે આ વ્યાજખાઉં મહિલા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.