યોગ્ય સુવિધા આપો:સાયણની ગ્રામસભા ગરમાતા સરપંચે પોલીસ બોલાવી

ઓલપાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
સભાનું સ્થળ બદલવા અંગે હોબાળો થયા બાદ સાયણ ગામે પંચાયત ભવન બહાર જ યોજાયેલી ગ્રામસભા. - Divya Bhaskar
સભાનું સ્થળ બદલવા અંગે હોબાળો થયા બાદ સાયણ ગામે પંચાયત ભવન બહાર જ યોજાયેલી ગ્રામસભા.
  • ઘન કચરો પંચાયત દ્વારા ગામની મધ્યમાં ઠાલવતા મોટો રોગચાળો ફેલાવાની ગ્રામજનોમાં દહેશત

ગાંધી જયંતિ નિમિતે સાયણ ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી વિકાસલક્ષી કામો અને પ્રાથમિક તથા આરોગ્યલક્ષી સુવિધાઓ બાબતે ધારદાર રજૂઆત કરતા ગ્રામજનોના પ્રશ્નોથી રઘવાયા બનેલા સરપંચે પોલીસ બોલાવી હતી.સાયણમાં ગ્રામસભા સમયે અચાનક મનસ્વી રીતે પંચાયતથી દૂર અન્ય જગ્યા પર સભા યોજવાનું સરપંચ અને ઉપસરપંચે ગતકડું ઉભું કરતા ગ્રામજનો રોષે ભરાતા ગ્રામસભા પંચાયત ભવન બહાર રસ્તામાં ખુલ્લામાં ગ્રામજનોને બેસાડી યોજવી પડી.

સરકારી રજા હોવાથી ગ્રામસભામાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સાયણ ગામે સતત બીજી વખત જીવલેણ રોગચાળો ફેલાતા માસુમ બાળકનો ભોગ લેવા જેવી ગંભીર ઘટના બનતા સાયણ ગામની જનતાને પીવાનું દૂષિત પાણી આપવાના મુદ્દેથી સભા શરૂ થઈહતી. તાપી નદીથી વરિયાવ જૂથ યોજનાનું પીવાનું શુદ્ધ પાણી સાયણ ગામ સુધી પહોંચાડવામાં આવતું હોય તે છતાં ગ્રામજનોને તેનો લાભ ન મળવો અને મનસ્વી નિર્ણય થકી ચોમાસામાં બોરિંગના દૂષિત પાણી આપવાની બાબતે સરપંચ પાસે ખુલાસો માંગતા તેની બોલતી બંધ થઈ ગઈ હતી.

બીજી બાજુ આદર્શનગર 3 સોસાયટીમાં રોગચાળો ફેલાયા બાદ હાથ ધરાયેલી સફાઈની કામગીરીમાં ત્યાંથી અને અન્ય વિસ્તારો માંથી દુર્ગંધ મારતો ઘન કચરો પંચાયત દ્વારા ગામની મધ્યમાં ઠાલવવામાં આવતા મોટો રોગચાળો ફેલાવાની ગ્રામજનોએ દહેશત બતાવવા સાથે તાત્કાલિક અસરથી ગામમાંથી ઘન કચરો હટાવવા ગ્રામજનોએ ધારદાર રજૂઆત કરી હતી. આટલું જ નહિ પણ રાજ્ય સરકાર દ્વારા જલ સે નલ તક યોજના સુધી લોકોના ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવાની યોજના કાર્યરત કરી હોય તે બાબતે સાયણ ગ્રામ પંચાયત દ્વારા કોઈ કામગીરી નથી કરાતી.

આટલું જ નહિ પણ સાયણ સુગર અને અન્ય હળપતિવાસમાં રહેતા આદિવાસી અને હળપતિ લોકોને પીવાના પાણી સાથે પ્રાથમિક સુવિધા પૂરી ન પાડી અન્યાય કરવાનો આગેવાનોનો આક્ષેપ લગાવ્યો હતો. આમ સાયણ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનોએ રોગચાળો, ગંદકી અને પીવાના પાણીના મુદ્દે ધારદાર રજૂઆત કરવાથી ગ્રામસભામાં ગરમાટો આવતા રઘવાયેલા સરપંચે સાયણ પોલીસને સભામાં બોલાવી હતી. અંતે ગ્રામસભા પૂર્ણ થયેલી જાહેર કરી ચાલતી પકડી હતી.

માટી-ડુપ્લિકેટ વેરા રસીદ કૌભાંડ બહાર આવ્યું
સાયણ ગ્રામ પંચાયતની વેરા રસીદ કે જેમાં ગ્રામજનો પાસે વેરા વસૂલી બદલ પહોંચ આપવામાં આવતી હોય તે ડુપ્લીકેટ ઓહોંચ બનાવી વેરાના નામે રોકડ રકમની તોડબાજી કરવામાં આવતી હોય સાથે સરકારી જમીનમાંથી માટી ખોડી પંચાયતના સરકારી ખર્ચે ખાનગી માલિકીના ખેતરમાં પુરાણ કરવા જેવા ગ્રામ પંચાયતના કૌભાંડ સભામાં ગ્રામજનો વચ્ચે ખુલ્યા. આટલુંજ નહિ પણ ખોટા બિલ અને વાઉચર થકી પણ પંચાયતમાંથી વહીવટ થતો હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...