ઓલપાડ તાલુકાના તેનારાંગ ગામના દરિયાઈ વિસ્તારની એક કંપનીના કર્મચારીઓને બેસાડી લઈ જતી બસને ત્રણ આંતકવાદીએ નિશાન બનાવી બંધક બનાવ્યા હોવાનો મેસેજ પોલીસ કન્ટ્રોલ રૂમને મળતા જિલ્લાની પોલીસ દરિયાકાંઠે દોડતી થઈ હતી, જેના પગલે શરૂઆતના સમયમાં કાંઠાના ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ મોકડ્રીલ હોવાનું ખબર પડતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
15 ઓગષ્ટ સહિત અન્ય તહેવારોમાં લોકોની સુરક્ષા અને તકેદારીને ધ્યાનમાં લઈ દરિયાઇ માર્ગે આંતકવાદી ઘુસણખોરી ન કરે તેમજ પોલીસની સતર્કતાની ચકાસણી થઇ શકે તે હેતુથી નાયબ પોલીસ મહાનિરીક્ષક, દરિયાઇ સુરક્ષાની કચેરી, ગાંધીનગર તરફથી દરિયાઇ વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના જિલ્લા પોલીસને મળેલ હતી.જેના પગલે પોલીસ અધિક્ષક ઉષા રાડાની સુચનાથી ઓલપાડના તેનારાંગ ગામના દરિયા કાંઠે મોકડ્રીલ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમ પૂર્વે જાગૃત નાગરીકે પોલીસ કંટ્રોલ રૂમને મેસેજ કર્યો હતો કે,તાલુકાના તેનારાંગ ગામ વિસ્તારની કંપનીની બસ કર્મચારીઓને બેસાડી દરિયાકાંઠેના માર્ગ પરથી પસાર થતી હતી, ત્યારે ત્રણ આંતકવાદીઓએ બસને નિશાન બનાવી બસને રોકી હતી અને બસમાં કર્મચારીઓને બંધક બનાવી દીધા છે. મેસેજ મળતા તરત જ પોલીસે બંદોબસ્ત ગોઠવતા તમામ ટીમ એલર્ટ થઇ હતી અને બસનો પીછો કરી તેનારાંગ ગામની ચેક પોસ્ટ ખાતે બસને કોર્ડન કરી રોકી હતી. ત્યારબાદ બસમાં ઘુસી ત્રણેય આંતકવાદીઓને પકડી બંધક કર્મચારીઓને હેમખેમ મુકત કરાવ્યા હતા.
કામગીરીમાં વિભાગીય પોલીસ અધિકારી ચંદ્રરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઓલપાડ પીઆઇ આર. આર. વસાવા, સ્ટાફ, એસ. ઓ. જી. પીઆઇ કે. જે. ધડુક, સીપીઆઇ કે. વી. ચુડાસમા, સુરત ગ્રામ્ય ડોગ સ્કવોર્ડ, સુરત ગ્રામ્ય અને સ્ટેટ આઇબી અધિકારીની ટીમ મેડીકલ ટીમ, ઓલપાડ એજીક્યુટીવ મેજીસ્ટ્રેટ તથા ફાયર જવાનો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.