સૂચન:ગ્રા.પં.ચૂંટણીમાં તાલુકા-જિલ્લા પં.ના સભ્યોને સરપંચના કોઈ ઉમેદવારનો પક્ષ ન લેવા સૂચન

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાની પ્રજાના પ્રાણ પ્રશ્નો, સમસ્યાઓના ઝડપી નિરાકરણ અને તાલુકાને વધુ વિકાસની દિશામાં કાયાપલટ કરવા સોમવારે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતાના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકા પંચાયત સભાખંડમાં મીટિંંગ યોજી હતી. મિટિંગમાં તાલુકાના સરપંચો, તાલુકા-જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપ તેમજ તાલુકાની સરકારી કચેરીઓ સહિત પોલીસ ખાતાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

રાજ્યના કૃષિ મંત્રી અને ઓલપાડ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે તાલુકાની વધુ પ્રગતિ માટે વિકાસ કામોને ગતિશીલ બનાવવા પ્રથમ તબક્કામાં તાલુકાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સાથે મિટિંગ યોજી હતી. હાજર રહેલ તમામ સરપંચોને લોકહીતના કામો કરવા અપીલ કરી હતી. નજીકના દિવસોમાં યોજાનાર ગ્રામ પંચાયતના સરપંચ-વોર્ડ સભ્યોની ચૂંટણીમાં તાલુકા- જિલ્લા પંચાયતના કોઈ સદસ્યોને ઉમેદવારી ન કરવા ઉપરાંત કોઈ ઉમેદવારનો પક્ષ ન લેવા ઉપરાંત તમામે એક જૂથ થઈ કામ કરવા શિખામણ આપી હતી.

તેમણે તાલુકાની વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવો પ્રયાસ કરવા જન પ્રતિનિધિઓને આહવાન કર્યું હતું.જયારે તાલુકાના તમામ ચૂંટાયેલા સભ્યોને દિવાળી પર્વ પહેલા મતક્ષેત્રની મુલાકાત લઈ તેમની રજૂઆત સાંભળી ગામના બાકી વિકાસ કામોની ચર્ચા આગામી સંકલન સમિતિની મિટિંગમાં કરવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત મંત્રી મુકેશભાઈ પટેલે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં એજન્ડા સિવાયના કોઈ કામની બિન જરૂરી ચર્ચા ન કરવા પણ શીખ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...