લોકડાઉન:સુગર મિલોમાં શેરડીનો ભાવ 2800 થી 3000ની વચ્ચે રહેવાની સંભાવના, સ્ટોક વેલ્યુ અને ખાંડની બજારની આવક ભૂમિકા ભજવશે

ઓલપાડ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેકાના ભાવમાં વધારો કરવામાં આવે તો શેરડીના ભાવ ઊંચા મળવાની આશા

દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોની દિન પ્રતિદિન સુધરતી જતી હાલત અને ખાંડની બજાર માંગ સાથે ભાવમાં પણ વધારો મળતા ખેડૂત સભાસદોને શેરડીના ઉંચા ભાવ મળી રહ્યા છે. હાલ પૂર્ણ થયેલી પીલાણ સિઝનનો શેરડીનો ભાવ આગામી 31 મેના રોજ જાહેર કરવાનો હોઈ જેથી તમામ સુગર મિલો આકડાંકિય ગોઠવણમાં લાગ્યા છે. જયારે ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં સારો ભાવ મળવાની આશા બાંધી છે.  હવે શેરડીનો ભાવ સ્ટોક વેલ્યુ અને ખાંડના બજાર પર નિર્ભર હોઈ, ખેડૂતોને ધારવા જેટલો ઊંચો ભાવ મળવો મુસ્કેલ હોવાનું જાણવા મળ્યું છે.

શેરડી પીલાણ સીઝન દરમિયાન અચાનક આવેલા કોરોના વાઇરસ મહામારી અને લોકડાઉનની કપરી પરિસ્થતિમાં સુગર મિલોએ 2020-2021ની પીલાણ સીઝન પૂર્ણ કરી છે. ત્યારે પૂર્ણ થયેલ સીઝનનો ખેડૂત સભાસદોને શેરડીનો ભાવ આપવાનો સમય આવ્યો છે. ત્યારે 31 મે ના રોજ દક્ષિણ ગુજરાતની તમામ13 સુગર મિલોએ શેરડીના ભાવ જાહેર કરવાનો હોય, જેથી આંકડાકીય ગોઠવણ કરવા માંડી છે. અત્રે ઉલેખનીય છે કે સુગર મિલોની વ્યવસ્થાપક કમિટીની ચુંટણી પણ માથે હોઈ ત્યારે વોટ બેન્કની રાજનીતિમાં સભાસદોને ઉંચા ભાવ આપવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુગર મિલોના ખાંડ વેચાણની આવક અને સ્ટોક વેલ્યુને પણ ધ્યાને લેવા જરૂરી છે. ગત વર્ષ 2019-2020માં સ્ટોક વેલ્યુ 3150 કરતા ખાંડની બજાર આવક વધીને 3250 થઈ જેથી 250 રૂપિયાનો વધારો નોંધાયો હતો. અત્રે ઉલેખનીય છે કે 2020-2021ની સ્ટોક વેલ્યુ બાબતે હજુ કોઈ અંતિમ નિર્ણય નથી લેવાયો. 
ટેકાના ભાવમાં રૂ.2નો વધારો કરવાની રજૂઆત
જોકે સુગર મિલોને ખાંડનો કિલોએ ટેકાનો ભાવ 31 રૂપિયાથી વધીને 33 રૂપિયા મળે તે માટે નેશનલ ફેડરેશનના ચેરમેન કેતન પટેલ દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. પણ સરકારે આ બાબતે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. જો ખાંડનો ટેકાનો ભાવ 31 થી વધીને 33 થાય, તો ખેડૂતોને 2020 -2021 ના ઉંચા ભાવ મળે તેમ છે.  સરકાર ટેકાના ભાવમાં કોઈ વધારો ન કરે, તો ગત વર્ષની સ્ટોક વેલ્યુ અને ખાંડની બજાર આવક સાથે સરખામણી કરતા વર્ષ 2020-2021 માટે ખેડૂતોને શેરડીના ભાવ 2800 થી 3000 મળવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...