દરિયાના પાણીનો ઉપયોગ કરી તેને પીવાલાયક બનાવવા સુરતના 5 યુવા સાહસિકોએ સૂર્ય ઉર્જાની સંચાલિત યંત્ર બનાવ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડમાં ખાસ ઉપકરણની મદદથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવાનો પ્લાન્ટ ઉભો કર્યો છે. જેમાં પ્રતિ લિટર માત્ર 50 થી 55 પૈસા ખર્ચથી પ્રતિ દિન 2000 લિટર દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી શકાય છે.
આ ઉપરાંત પ્લાન્ટ થકી પ્રતિ લીટર ૩૫ ગ્રામ સિંધવ લૂણ (મીઠું) પણ મેળવી શકાય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે,આ ઉપકરણના સંશોધન દરમિયાન આ યુવાનોને 15 વાર નિષ્ફળતા મળી હતી,પરંતુ તેઓ હિંમત હાર્યા વિના સતત પરિશ્રમ કરતા તેઓનો 16 મો પ્રયત્ન રંગ લાવ્યો અને સફળ સાબિત થયો. ડિવાઈસથી ખારા પાણીમાંથી બનતું પાણી મિનરલ યુક્ત છે, તેમજ પાણીજન્ય રોગોમાં પણ રાહતરૂપ છે.
પ્રોજેક્ટ ટીમના સભ્યના જણાવ્યા મુજબ , કોલેજ કાળના એન્જિનિયરીંગના અભ્યાસ દરમિયાન જ પાણીને પીવાલાયક બનાવવા ‘સોલેન્સ એનર્જી’ નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.મુખ્ય વાત એ છે કે,આ ટેક્નિકમાં એક્સર્ટનલ પાવર સપ્લાયની જરૂર રહેતી નથી,તેમજ ઓપરેશનલ અને મેન્ટેનન્સ ખર્ચ આવતો નથી.સરકારની સ્ટાર્ટ અપ યોજના હેઠળ ઉપયોગી સહાય મળતા અમને આ કામ કરવાનું નવું બળ મળ્યું છે.
સોલાર પાવર્ડ ડિવાઈસ દરિયાના ખારા પાણીને આ રીતે શુદ્ધ કરે છે
ઉપકરણ વિક્સવનારા યુવાનો પૈકી યશ તરવાડીએ જણાવ્યું હતું કે, સૂર્યના કિરણોને યંત્રના વોકલ પર કેન્દ્રિત કરી કોન્સન્ટ્રેટર નામના ડિવાઈસમાં એટલે કે રિસીવરમાં ખારૂં પાણી લેવામાં આવે છે. જેમાંથી મીઠું અને અન્ય પાર્ટ્સ રિસીવરમાં રહી જાય છે અને માત્ર સ્ટીમ આગળ વધે છે.સ્ટીમને હિટ એક્સચેન્જર નામની ડિવાઈસ પ્રવાહી સ્વરૂપમાં ફેરવે છે.ત્યારબાદ પ્રોસેસ થયેલું આ પાણી પીવાલાયક બને છે,આ પ્રોજેક્ટ છેવાડાના દરિયા કિનારાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપિત કરવામાં આવે તો તેમને પીવાનું પાણી સહેલાયથી મળી રહેશે. તેમજ ઉદ્યોગોના કેમિકલયુવક્ત પાણીને શુદ્ધ કરવામાં પણ ઉપયોગી બની શકે તેમ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.