હેમખેમ પરત આવ્યાં:ઓલપાડના યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ પૈકી સાયણની વિદ્યાર્થિની હેમખેમ પરત

ઓલપાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિમના 3, કઠોદરાનો 1 અને દાંડીરોડ જહાંગીરાબાદનો 1 તથા સાયણની 1 વિદ્યાર્થીની યુક્રેનમાં ફસાયા હતા

યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ઓલપાડ તાલુકાના જુદા જુદા ગામના 6 વિદ્યાર્થીઓ પણ હોય જે પૈકીની સાયણ ગામની એક વિદ્યાર્થીની બુધવારની સાંજે હેમખેમ પોતાના ઘરે પરત આવી હતી. યુક્રેન અને રસિયા વચ્ચેના યુદ્ધને લઈને ત્યાં અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓ ફસાયા હોય.

જયારે ત્યાં રહેવા અને ખાવાની તકલીફ સાથે યુ ક્રેન પોલીસ દ્વારા હવે હેરાનગતિ કરવામાં આવતી હોવાની ખબરે ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનો વધુ ચિંતિત બન્યા છે. આટલું જ નહીં પણ લાંબા કિલોમીટરનું અંતર કાપી પોલેન્ડ બોર્ડરે પહોંચેલા ગુજરાતના વિદ્યાર્થીઓને બોર્ડર પર રોકી રાખવામાં આવ્યા હોય. ત્યાં ઓલપાડ તાલુકાના પણ 6 વિદ્યાર્થી હોવાની સરકારને માહિતી મળતા તેમને પરત લાવવાની તજવીજ હાથ ધરી છે.

રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાના મામલતદારને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેનો સંપર્ક રાખી વિદ્યાર્થીઓની માહિતી સાથેની તેમના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લઈને તમામ વિગત એન.સી.જી ને મોકલી વિદ્યાર્થીઓ પરત લાવવાની કામગીરી અંતર્ગત બુધવારે ઓલપાડ મામલતદાર એલ.આર.ચૌધરીએ સાયણની વિદ્યાર્થિની હિમલ નિલેષકુમાર પટેલના પરિવારજનોની મુલાકાત લઈને માહિતી આપી હતી કે સાંજે પ્લેન મારફત તેમની દીકરીને સુરત લાવવામાં આવશે. ત્યારે દીકરી હેમખેમ પરત આવવાની ખબર મળતા પરિવારજનો સુરત એરપોર્ટ દીકરીને લેવા પહોંચ્યા હતા.

મામલતદાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઓલપાડ તાલુકાના કિમ ગામના 3 કઠોદરા ગામનો 1 અને દાંડીરોડ જહાંગીરાબાદ નો 1 તથા સાયણ ગામની 1 વિદ્યાર્થીની મળી કુલ 6 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હતા, જે પૈકી સાયણની વિદ્યાર્થિની પરત આવતા હવે 5 વિદ્યાર્થીઓ પૈકી ફેની પટેલ રહે દાંડી રોડ, જહાંગીરાબાદ, તથા નિખિલ ઝાડવ, વિરાલી ઠાકોર અને મેઘરાજસિંહ સોલંકી ત્રણેવ રહે કિમ જયારે શબ્બીર મહોમ્મ્દ રસીદ મુલ્લા રહે કિમ કઠોદરા ગામ હજુ બોર્ડર પર ફસાયેલા હોય તેમને પણ પરત લાવવાની સરકાર કામગીરી કરી રહી છે.

ભારતીય એમ્બેસી-સરકારનો આભાર માનું છું
યુક્રેન ખાતે મેડીકલના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી રશિયા સાથે જયારે યુદ્ધ છેડાયું ત્યારથી યુક્રેનની હાલત ખૂબ જ ખરાબ હતી. દરેક વિદ્યાર્થીઓ ઘરે પરત આવવા માટે આકુળ વ્યાકુળ બન્યા છે. હું ઇન્ડિયન એમ્બેસી અને સરકારના સહયોગથી હેમખેમ ઘરે પરત આવી છું. અમે હોસ્ટેલમાં રહેતા હતા ત્યાંથી બસ અમને આવીને લઈ ગયા બાદ એરપોર્ટ પર બૉમ્બ બ્લાસ્ટ થવાની ઘટના બની હોવાની મને ખબર મળી છે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ ખૂબ ડરી ગયા છે. - હિમલ પટેલ, વિદ્યાર્થિની

અન્ય સમાચારો પણ છે...