ગેરવહીવટ:સાયણ વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત થશે : મંત્રી મુકેશ પટેલ

ઓલપાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કરનારને જાકારો આપવા જણાવ્યું

ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવા સાથે મંત્રી બન્યા બાદ પ્રથમ વખત સાયણ ગામની મુલાકાતે આવેલા ગુજરાત સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ નું સાયણ ગામ ખાતે ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે રોગચાળા થી પ્રભાવિત થયેલા વિસ્તારની મુલાકાત લીધી હતી.

ઓલપાડ ધારાસભ્ય મુકેશભાઈ પટેલની ગુજરાત સરકારના કૃષિ, ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમણુંક થયાબાદ ઓલપાડ તાલુકાના જુદા જુદા ગામોમાં કરોડોની સરકારી ગ્રાન્ટથી વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા સાથે જનસંપર્ક હાથ ધરતા સોમવારે તાલુકાના પૂર્વ પટ્ટીના ગામો સાથે સાયણ ગામની મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના મંત્રી થયાબાદ પ્રથમ વખત સાયણની મુલાકાત લીધી હોય ગ્રામજનોએ મંત્રી મુકેશ પટેલનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું.

મુકેશભાઈ પટેલે કહ્યું “હું સાયણ ગામની હાલ થયેલી અવદશા જોઈને દુઃખી છું, હવે સાયણ ગામ સંપૂર્ણ વિકસિત અને ભ્રષ્ટાચાર મુક્ત થશે. સાયણ ગ્રામ પંચાયતના વહીવતકર્તાઓના પાપે ગામનો વિકાસ રૂંધાયો છે. સરકાર તરફથી સાયણ ગ્રામ પંચાયતને ફાળવાયેલા કરોડોની ગ્રાન્ટ આજે પણ વાપરવામાં નથી આવી. ગામમા સ્વચ્છતા અને ગ્રામજનોના આરોગ્યલક્ષી કામગીરી નથી થતી જેથી દર વર્ષે ચોમાસામાં જીવલેણ રોગચારો ફેલાય છે જેના માટે ગ્રામ પંચાયતના વહીવટકર્તા જવાબદાર છે. ગામમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.

સાયણની હાલની અવદશા જોતા અત્યારબાદ ગામનો સુવ્યવસ્થિત વિકાસ થાય તેમાટે મંત્રી મુકેશભાઈ પટેલની નિગરાણી હેઠળ ગામના આગેવાનોની એક વિકાસ સમિતિની તેમણે જાહેરાત કરી હતી. જે સમિતિ સરકારી ગ્રાન્ટ થકી ગ્રામજનોના લોકઉપયોગી વિકાસલક્ષી કામોનું યોગ્ય પ્લાનિંગ કરી તાલુકા કક્ષાની સમિતિ સાથે સંકલન કરી કામગીરી કરશે. આટલું જ નહિ પણ નજીકના દિવસોમાં ગ્રામજનો સાથે સીધો સંપર્ક બનાવવા કાર્યાલય કાર્યરત કરવાની પણ તૈયારી બતાવી. આ સાથે આવનાર દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવે છે ત્યારે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ થકી અવદશા કરનારને જાકારો આપવા એક સંપ સાથે મક્કમ બને તેવુ મંત્રીએ સૂચન કર્યું હતું.

આદર્શનગર વિસ્તારની મુલાકાત લીધી
સાયણ ગામે આદર્શનગર 3 માં દૂષિત પાણીને લઈને જીવલેણ રોગચારો ફેલાતા રોગચારાથી પ્રભાવિત થયેલી સોસાયટીની મુલાકાત લેવા સાથે અહીં આજે પણ આરોગ્યલક્ષી સુવિધાનો અભાવ જોવા મળતા મંત્રીએ પંચાયતને તાત્કાલિક અસરથી સુવિધા ઉભી કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...