પુન: મિલાન:સુરતથી ગુમ રાજસ્થાની બાળકને શોધી પરિવારને સોંપાયો

ઓલપાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરતમાં ગણપતિ જોવા નીકળેલો બાળક રસ્તો ભટકતાં ઓલપાડ આવી પહોંચ્યો

ઓલપાડ પોલીસે સુરતથી ગુમ થયેલ એક રાજસ્થાની બાળકને શોધી કાઢી બાળકનું તેના પરિવારજનો સાથે મિલન કરાવતા ઓલપાડ પોલીસ મથકની ટીમ અભિનંદનને પાત્ર બની છે. વિગત મુજબ ઓલપાડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.તોમરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગત શુક્રવાર,તા. 09 ના રોજ ગણેશ વિર્સજન અન્વયે મોર ભગવા બીટ ઇન્ચાર્જ અ. હે. કો. હેમંત રતિલાલ તથા પો.કો. ગૌતમ ગેલા સહિત પોલીસ સ્ટાફ પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન સવારે 11 કલાકના સુમારે ઓલપાડથી કરંજ રોડના કુંભારી ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક અજાણ્યું બાળક મળી આવ્યું હતું.

જેથી પેટ્રોલિંગ કરી રહેલ પોલીસ આ બાળકને પોલીસ મથકમાં લઈ આવી હતી.જ્યાં પીઆઇ એમ.બી.તોમરે બાળકના નામ-ઠામની તપાસ કરતા આ બાળકનું નામ કૈલાસ ભેરૂલાલ નારૂલાલ ભીલ(13)હોવાનું જણાયું હતું.જયારે આ બાળકને તેના ઘરનું સરનામું પૂછતાં બાળકને માત્ર તેના ગામનું નામ જ ખબર હતું. જેથી પોલીસે તેના વાલી વારસને શોધવા વોટ્સએપ, ગુગલમેપ તથા સોશિયલ મિડીયાનો આશરો લઈ ખાનગી હ્યુમન રીસોર્સમાં બાળકનો ફોટોગ્રાફસ વાયરલ કરી તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા હતા. જે તપાસ કરતા આ બાળક મુળ રહે.તાણા ગામ,તા. માલવી, જિ.ચિતોડગઢ (રાફજસ્થાન)નો હોવાનું જણાયું હતું.

જેથી પોલીસે તેના માતા-પિતાનો સંપર્ક કરી આ બાળકનો ફોટો સોશિયલ મિડીયા દ્વારા તેના માં-બાપને બતાવતા તેઓએ આ બાળક તેનો પુત્ર હોવાની ઓળખ કરી હતી. આ મામલે બાળકના પિતા કૈલાસ ભેરૂલાલ નારૂલાલ ભીલે પોલીસને જણાવ્યું હતું કે, તેનો પુત્ર આશરે એકાદ મહિના પહેલા તેના ગામના સબંધી પન્નાલાલ માંગીલાલ લાલજી ડાંગીને ત્યાં સુરત ફરવા માટે આવ્યો હતો. તે છેલ્લા બે દિવસ પહેલા રાત્રીના દસેક વાગ્યેના સુમારે સબંધીના ઘરમાં કોઇને કહ્યા વિના ગણપતિ જોવા માટે નીકળી ગયો હતો.

તે દરમ્યાન રસ્તો ભુલી જતા તે સુરતથી ઓલપાડ તરફ આવી ગયેલ હોવાનું જણાઈ રહ્યું છે.જેથી પોલીસે શનિવારે તેના પિતાને ઓલપાડ પોલીસ મથકમાં રૂબરૂ બોલાવી બાળક કૈલાશનો કબ્જો સોંપ્યો હતો. આ સમયે ગુમ થયેલ બાળકનું પરિવાર સાથે મિલન થતા પિતા ભેરૂલાલ ભીલ તથા તેનાં પરિવારજનોએ અશ્રુભીની આંખ સાથે આનંદ હર્ષોલ્લાસની લાગણી અનુભવી હતી અને ઓલપાડ પોલીસની કામગીરીને બીરદાવી પ્રસંશા કરી હતી, જયારે ગુમ બાળકનું પરિવાર સાથે મિલનનું આ દ્રશ્ય નિહાળી કઠોર હ્નદયના ઓલપાડ પીઆઇ એમ.બી.તોમરની આંખલડી પણ ભીની થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...