આદેશ:ઓલપાડનાં 16 ગામમાં ગેરકાયદે હજારો જિંગા તળાવ દૂર કરવા આદેશ

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NGTમાં થયેલી ફરિયાદ સંદર્ભે ક્લેક્ટરના આદેશથી હાથ ધરાયેલી કાર્યવાહી

સરકારી પડતર જમીનો પર ગેરકાયદે જિંગા તળાવોનો સર્વે કરાયા બાદ મામલતદાર દ્વારા દરેકને સ્વ ખર્ચે તળાવો તોડી પાડવાનો આદેશ કરવા સાથે જો આમ ન થાય તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી સુધીની નોટિસ ફટકારી છે.

ઓલપાડ કાંઠાના ગામોમાં સરકારી જમીનો પર જિંગા તળાવ માફિયાઓ દ્વારા સ્થાનિક અધિકારીઓની છત્ર છાયા હેઠળ કબ્જો કરી બિન અધિકૃત રીતે જિંગા તળાવો બનાવી વેપલો કરાતો આવ્યો છે. ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા લેખિત રજૂઆત કરવા છતાં જ્વાબદારો વિરુદ્ધ કાર્યવાહી નથી કરાઇ. જિંગા તળાવ માફિયાઓના પાપે ઓલપાડ તાલુકાની જનતા જોખમમાં મૂકાતા અંતે ગેરકાયદે જિંગા તળાવનો વેપલો બંધ કરાવવા અને સરકારી જમીન પરના તળાવો દૂર કરાવવા ખાનગી સંસ્થા દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પુણેમાં એપ્લીકેશન નંબર 16 /2020થી ફરિયાદ દાખલ કરી હતી,

ફરિયાદ સંદર્ભે સુરત ક્લેક્ટર દ્વારા ઓલપાડ મામલતદારને તપાસ સોપાતા 16/05/2022 ના રોજ દાંડી, કૂદીયાણા, ક્પાસી, કુવાડ, સરસ, ઓરમા, મોર, દેલાસા, મંડરોઈ, નેશ, કાછોલ, હાથીસા, લવાછા, તેના, સોંડલખારા, કોબા અને ઠોઠબ કુલ 16 ગામના તલાટીને ગેરકાયદે જિંગા તળાવ સર્વેની કામગીરી સોપી હતી. ત્યારે સર્વે અંતે તલાટીના રિપોર્ટને અંતર્ગત જિંગા તળાવો સ્વખર્ચે તોડવાનો આદેશ કરવા સાથે જો કામગીરી કરવામાં ન આવે તો લેન્ડ ગ્રેબિંગ મુજબ કાર્યવાહી કરવા ચમકી આપી છે.

ગેરકાયદે કબ્જો કરી જિંગા તળાવો બનાવી સરકારી જમીનનો વેપલો થતો આવ્યો હોય ત્યારે વહીવટી તંત્ર દ્વારા અનેકવાર માત્ર તળાવના પાળા ડિમોલિશન કરી કાર્યવાહીનું નાટક કરાતું આવ્યું છે. ત્યારે ફરીવાર મામલતદાર દ્વારા નોટિસ આપી જિંગા તળાવો ડિમોલિશન કરવા જણાવ્યુ છે સાથે જ 15 દિવસમાં વાંધા રજૂ કરવાની છૂટ આપી છે ત્યારે યોગ્ય કામગીરી થશે કે કામગીરી પર પિલડું વાળી દેવાશેે એવી લોક ચર્ચા છે.

આ ગામોમાં કબ્જો કરી તળાવો બન્યા છે
દાંડી ગામ – બ્લોક નંબર ૧,૨,૩,૪,૧૦,૧૧,૧૯૨, કૂદીયાણા ગામ – બ્લોક નંબર ૨૩, કપાશી ગામ – બ્લોક નંબર-૩૫, કુવાડ ગામ- ૪૯૦, ૪૯૫, સરસ ગામ – ૧૨૩, ૧૨૪, ૧૩૪, ૨૯૮, ઓરમાં ગામ- ૩૪૬, મોર ગામ – બ્લોક નંબર- ૬૮૬ પૈકી ૧, ૮૪૬, ૮૪૭ પૈકી ૧, ૮૪૭ પૈકી ૧/૧, ૮૪૭ પૈકી ૧/૨, ૮૪૭ પૈકી ૧/૩, દેલાસા – બ્લોક નંબર ૨૦૮, મંડરોઈ- બ્લોક નંબર- ૧૬૬, ૨૧૨, ૨૩૯, ૪૦૬, ૪૦૮, નેસ ગામ- ૩૨૭, કાછોલ – ૯૯, હાથીસા – ૭/અ, લવાછા- ૩૯૮, તેના- ૪૯૫

અન્ય સમાચારો પણ છે...