તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકાર:કોટન મંડળીના પ્રમુખપદે મનહર પટેલ બિનહરીફ

ઓલપાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી અવસાન પામેલ મંડળીના 40 સભાસદોના વારસદારોને 12,000ની સહાય

ઓલપાડ જીન કેમ્પસમાં દેશની આઝાદી પૂર્વેથી ખેડૂતોની સહકારી સેવા કરતી ઘી ઓલપાડ ગૃપ કો.ઓ.કોટન મંડળીના પ્રમુખપદે તાલુકાના કદરામા ગામના રાજકીય અને સહકારી અગ્રણી મનહરભાઈ કે.પટેલ સતત ત્રીજી વખત બિનહરીફ ચૂંટાયા છે, જેના પગલે તેમના સમર્થકોમાં આનંદની લહેર વ્યાપી જવા પામી છે. વિગત મુજબ ધી ઓલપાડ કોટન મંડળીની વાર્ષિક સાધારણ સભા પછીની પ્રથમ મિટિંગ આજે તા-03,શુક્રવારના રોજ મંડળીની ઓફિસમાં મળી હતી.

આ મિટિંગમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી કામગીરીના એજન્ડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી અને મંડળીમાં છેલ્લા બે વર્ષથી પ્રમુખપદે સેવા આપતા મનહરભાઈ ખુશાલ ભાઈ પટેલના નામની દરખાસ્ત બોર્ડના સભ્ય જગજીવનભાઈ પટેલે મૂકી હતી, જેને ભાવિનભાઈ પટેલે (સરસણા)ટેકો જાહેર કરતા અન્ય કોઇ દરખાસ્ત રજૂ ન થવાથી મનહરભાઈ પટેલ સતત ત્રીજી વખત પ્રમુખપદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.

મંડળીના ઉપપ્રમુખ પદ માટે રમેશભાઈ નાનુભાઈ પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ મિટિંગમાં મંડળીના નવનિયુક્ત પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું હતું કે મંડળી સહકારી પ્રવૃત્તિ સાથે માનવતાનું પણ કામ કરી રહી છે. જેના ભાગરૂપે મંડળી તરફથી ગત હિસાબી વર્ષ દરમિાયન કોરોના મહામારીમાં અવસાન પામેલા મંડળીના કુલ 40 સભાસદોના દરેક વારસદારોને રૂપિયા 12,000 લેખે કુલ રૂપિયા 4.80 લાખની સહાયનાં ચેકો એનાયત કરવામાં આવ્યા હતા.

જયારે મંડળીએ કોરોનાકાળમાં કુલ 2400 ઉત્પાદક સભાસદોને વિના મૂલ્યે માસ્કનું પણ વિતરણ કરેલ છે.તેમણે વધુ કહ્યું કે આ મંડળીનું કાર્યક્ષેત્ર ઓલપાડ તાલુકાના 27 ગામોમાં કુલ 2882 સભાસદોની સંખ્યા સાથે ફેલાયેલું છે. તેમણે જણાવ્યું કે મંડળીએ ચાલુ વર્ષમાં રૂપિયા 1,87,417 નફો કરી સભાસદોને રૂપિયા 12 ટકા લેખે ડિવિડન્ડ ચુકવેલ છે.તેમણે સભાસદોને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ મંડળીમાં પારદર્શક વહીવટ થકી મંડળીને પ્રગતિના શિખરો સુધી લઈ જવા બોર્ડના તમામ ડિરેકટરોને સાથે રાખી એકરાગિતાથી વહીવટ કરશે.

અન્ય સમાચારો પણ છે...