સુરત જિલ્લા એલસીબી પોલીસ સાયણ બજાર નજીક વરલી મટકાના જુગારધામ ઉપર ત્રાટકી હતી અને આંકડો રમાડતી એક મહિલા સહિત બે આરોપીઓને દબોચી મોબાઈલ ફોન ઉપર આંકડો લેતા એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. જો કે સાયણ પોલીસ ચોકીની તદ્દન નજીકમાં ચાલતા વરલી મટકાના જુગાર ધામ મામલે સ્થાનિક પોલીસના ઉદાસીન વલણને કારણે એલસીબી પોલીસે જુગારધામ ઉપર ત્રાટકી સ્થાનિક પોલીસની પોલ ખોલી નાંખી છે.
ગત સોમવાર, તા-10 ના રોજ મોડી સાંજે સુરત એલસીબી ઓલપાડ પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે અહેકો પ્રકાશ વાલજીને બાતમી મળી હતી કે, સાયણ રેલવે ફાટક નજીક લ વિલાસ હોટલની બાજુની ગલીમાં બોમ્બે ચાલમાં રહેતી મયુરીબેન લામા મુંબઇથી નીકળતા મિલન, કલ્યાણ તથા ટાઇમ બજારથી નીકળતા આંકડાઓ ઉપર જુગાર રમાડી રહી છે.
આ બાતમીના પગલે જિલ્લા એલસીબી સાયણ આઉટ પોલીસ ચોકીની મહિલા પો.કો.પ્રિતી રાયમલને સાથે રાખી છાપો મારતા જુગાર ધામેથી મયુરી લામા (31)ઝડપાઈ હતી. પોલીસે જુગારધામેથી આંકડો લખાવતા સાયણ ટાઉનના કાશી ફળિયામાં રહેતા બે આરોપીઓ પૈકી મનિષ ગામીત(40) તથા રાજુ રાઠોડ(40)ને પણ દબોચી લીધા હતા.
પોલીસે ઝડપાયેલ આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન નંગ-2, જેની કિંમત રૂપિયા 26,000, જુગાર રમતના વકરાના રૂપિયા 18,400 તથા અંગ ઝડતીના રૂપિયા 3260 મળી કુલ 47660 નો મુદ્દામાલ કબજે લીધો હતો, જયારે મહિલા જુગારી મયુરી લામાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે જુગારીઓ પાસેથી વરલી-મટકા આંકડાનો અંક લઈને ગુલામ હુસેન મહમંદ કાસીમ પટેલ (રહે-921,જીયા સ્ટ્રીટ યુનિયન બેંક પાસે, વરીયાવ-સુરત શહેર)ને આંકડો મોબાઈલ ઉપર લખાવતી હતી, જેથી પોલીસે ગુલામ હુસેન મહમંદ કાસીમ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.