ઉનાળામાં પીવાના પાણીને લઈને સુવિધાના અભાવે લોકો વલખા મારી રહ્યા છે. બીજી બાજુ ઓલપાડના પૂર્વ પટ્ટીના ગામોમાં રાજ્ય પાણી પુરવઠા વિભાગે કરોડોના ખર્ચે પાણીની લાઈન નાખી અન્ય સુવિધા ઊભી કરી હતી, પરંતુ 12 જેટલા ગામોને આજદિન સુધી પાણી આપવામાં આવ્યું નથી. આટલું નહિ પણ જે ગામનાં નામથી પેટા વિભાગ કાર્યરત કરાયો, તે કરેલી ગામને આજદિન સુધી યોજનાનો લાભ મળ્યો નથી. કરોડોની ગ્રાન્ટથી સુવિધાના કામો કરાયા, પરંતુ સુવિધા નહિ મળતા, રૂપિયાનો દૂરવ્યય થયો કહી શકાય.
ઓલપાડ તાલુકાનાં ગામોમાં પીવાનું પૂરતા પ્રમાણમાં અને શુદ્ધ પાણી મળે તેવા, શુભ આશયથી રાજ્ય સરકારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ દ્વારા સુરત તાપી નદી પર વરિયાવ જૂથ પાણી પુરવઠા યોજના કાર્યરત કરવામાં આવી હતી. ઓલપાડ તાલુકાના 80થી વધુ ગામોને યોજનાનો લાભથી પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી.
ઓલપાડ તાલુકાના ગામો દૂર સુધી હોવાથી પાણી પ્રેશરથી મળી રહે તે માટે પાનસરા, સાંધીએર અને કારેલી આમ ત્રણ પેટા વિભાગો બનાવી પાણી સપ્લાયની કામગીરી કરવામાં આવે છે. આ ત્રણે પેટા વિભાગોમાં આવતા ગામનો વસ્તી અને વિસ્તાર પૂર્વક કાર્યરત કરાયા છે. તાલુકાનાં પૂર્વ પટ્ટીના 22 ગામોમાં પરિયા ગામે કાર્યરત આવેલી કારેલી પેટા વિભાગ થકી પાણી પહોંચાડવાની કામગીરી કરવાની હોય. જેમાં 22 ગામો પૈકીના 12 ગામોને હજુ સુધી લાખોની ગ્રાન્ટથી પાણીની લાઈન અને પાણી સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકી બનાવવાની કામગીરી કરવામાં આવી છે.
આ 12 ગામોમાં આજદિન સુધી વરિયાવ જૂથ યોજનાનું પીવાનુ પાણીની ગ્રામજનોને સુવિધા મળી નથી. પરિયા ગામે કાર્યરત કારેલી પેટા વિભાગની પાઇપ લાઈન થકી અહી સુધી પાણી પણ પહોચાડવામાં આવે છે, પરંતુ પાણીની સુવિધા આપવામાં આવતી નથી. ચોંકાવનારી બાબત તો એ કે કારેલી ગામના નામથી કાર્યરત કરાયેલી કારેલી પેટા વિભાગ, પણ આજદિન સુધી કારેલી ગામને યોજનનો લાભ જ નથી મળ્યો. સરકારી ગ્રાન્ટ થકી ખોટી કામગીરીઓ થઈ રહી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના પાપે સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટનો દૂર વ્યય કરાયો હોવાનું કહી શકાય.
અન્ય વિકલ્પ હોવાથી ગ્રામજનો યોજનાનો લાભ નથી લેતા, તો વ્યર્થ ખર્ચ કેમ કરાયો?
ઓલપાડ પેટા વિભાગ કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓના કહેવા મુજબ ગ્રામપંચાયતો પાસે સ્થાનિક કક્ષાએ સુવિધા હોવાથી વરિયાવ જૂથ યોજનાનું પાણી નથી લેતા. તો સ્વાભાવિક મહત્વનો પ્રશ્ન ઉપસ્થિત થયો, જો પૂર્વ પટ્ટીના તમામ 12 ગામોની ગ્રામ પંચાયત પાસે સ્થાનિક સુવિધા હતી, તો લાખોની ગ્રાન્ટ ખર્ચ કરી લાઈન નાખવા સાથેની અન્ય કામગીરી કરવામાં કેમ આવી ?
ટાંકીઓ બની ત્યારથી બિનઉપયોગી
ઉમરા, ગોથાણ, વસવારી, દેલાડ, સેગવા, સાયણ, પરિયા, સીવણ, માધર, ખલીપોર, સિથાણ, ભારુંડી કંથરાજ આ 12 ગામો સુધી પાઇપલાઇન નાખવા સાથે પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકીઓ પણ બનાવી છે. ત્યારે જ્યારથી કામગીરી થઇ ત્યારથી આજદિન સુધી આ ગામોમાં પાણી ન આપી બિન ઉપયોગી હાલતમાં પડી રહેવાથી પાણીની લાઈન અને ભૂગર્ભ ટાંકીઓ ભંગાર થઈ ગઈ છે.
મને ખબર નથી,તપાસ કરાવીને કહું
ઓલપાડ તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં કારેલી પેટા વિભાગ થકી અમે વરિયાવ યોજનાનું પાણી પહોંચાડીએ છે, જ્યારે ક્યાં ક્યાં ગામોમાં પાણી નથી મળતું કે લેવામાં નથી આવતું તેની મને ખબર નથી. હું તમને તપાસ કરાવીને કહીશ. > જય ચૌધરી, ડી. ઈ. ઓલપાડ
પંપીંગ સ્ટેશન બનાવ્યુ છતાં પાણી નહીં
પરિયા ગામે કારેલી પેટા વિભાગનું પંપીંગ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે ગામની જમીન કામે લેવા સાથે અન્ય રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. છતાં આ ગામને આજદિન સુધી પાણી નથી અપાયું. ત્યારે આ બાબતે ગ્રામજનો પાણી પુરવઠા વિભાગને જવાબદાર ઠેરવી રહ્યા છે. અને તેમના આયોજનના અભાવે આજે આ હાલત હોવાનું જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.