ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રના કિનારે સિદ્ધનાથ મહાદેવના આશીર્વાદથી વિકસેલા સરસ ગામના ખેડૂતે ક્ષારયુક્ત જમીનમાં સૌથી મોટી અને વજનવાળી ડુંગળીની ખેતી કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે દાખલો બેસાડ્યો છે. રાસાયણિક ખેતીમાં નિષ્ફળતા મળવા સાથે મોટી આર્થિક નુકસાની ભોગવી પાકૃતિક ખેતી તરફ પ્રેરાઈને મહામહેનતે ક્ષારયુક્ત જમીનમાં પ્રાણ લાવી અન્ય ખેડૂતો માટે દાખલ રૂપ ખેતી કરી બતાવી છે.
ઓલપાડ તાલુકાને ફરતે અરબી સમુદ્ર આવેલો હોવાથી સમુદ્રના ખારા પાણી ભૂગર્ભ જળ સાથે ભળીને જમીનમાં દૂર દૂર સુધી પહોંચી જતા તાલુકાના કાંઠાનાં અનેક ગામોમાં ખેતીલાયક જમીનોમાં પણ ક્ષાર આવી જવાનું નોંધાયું છે. ક્ષારયુક્ત જમીન થવાથી સિંચાઇના પાણીની સગવડને લઈને કાંઠાના ગામના ખેડૂતો મહત્તમ ડાંગરની ખેતી કરતા આવ્યા છે. જ્યારે જમીનમાં ક્ષાર આવવાને લઈને કેટલાક ખેડૂતો જિંગા ઉછેર તરફ વળ્યા છે.
સરસ ગામના યુવાન ખેડૂત રાજદીપ અશોકભાઈ પટેલનું અરબી સમુદ્રને જોડતી સેના ખાડીને અડીને ખેતર આવેલું હોય. અરબી સમુદ્રના ખારા પાણી બારેમાસ અહીં ભરાયેલા રહેવાથી જમીન ખારવાળી થઈ જવા પામી છે. ક્ષારયુક્ત જમીનમાં રાસાયણિક ખેતી કરતા પહેલાં જ વર્ષે ખેતરમાં પાક ન થતાં મોટું આર્થિક નુકસાન થયું. ત્યારે પ્રાકૃતિક ખેતી વિશે જ્ઞાન મેળવી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાં ગૌમૂત્ર, દેશી ગાયનું છાણ અને અન્ય ઔષધિના ઉપયોગથી તૈયાર કરેલા જીવામૃતના અને પાણીના ઉપયોગથી પાકનું સિંચન કરતા આવ્યા છે.
પ્રાકૃતિક ખેતીથી ઉછેરેલી ડુંગરીએ ગુજરાતનો રેકોર્ડ કર્યો છે. રાજદીપ પટેલના ખેતરમાં એક કિલોના વજનની એક ડુંગરી એવી આઠ વીઘા જમીનમાં શેરડી સાથેના આંતર પાકમાં 150 મણથી વધુ ડુંગળીનો પાક લીધો છે. ક્ષારવાળી જમીનમાં એક કિલો સુધીના વજન જેટલા મોટા કદના કાંદા ગુજરાતમાં પ્રથમ વખત થયા હોવાનો ખેડૂતે દાવો કર્યો છે. દિવ્યભાસ્કર સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત પ્રાકૃતિક ખેતી થકી એક કિલો જેટલા વજનની ડુંગળીની ખેતી કરી છે. હવે આ કાંદાનું બિયારણ તૈયાર કર્યા બાદ અન્ય ખેડૂતો સુધી પહોંચાડવાનું આયોજન છે.
રાજ્યમાં આટલા મોટા કાંદા કોઈએ ઉગાડ્યા નથી
રાસાયણિક ખેતીમાં નિષ્ફળ જતાં ખેતી કરવાનું પડતું મૂકવાનું વિચાર્યા બાદ મને પ્રાકૃતિક ખેતી વિશે જાણવા મળતાં મેં ફરી એકવાર ખેતી કરવાનું સાહસ કર્યું. મારા ખેતરમાં ક્ષાર હોવા છતાં પ્રાકૃતિક ખેતી તરીકે અન્ય પાક સાથે આંતર પાક તરીકે ડુંગળીની ખેતી કરી હતી. માટે ત્યાં એક કિલોના વજનની અને સૌથી મોટા કદની એક ડુંગરી થાય છે. પ્રાકૃતિક ખેતી તરીકે આજદિન સુધી આટલા મોટા કદના અને વજનના કાંદાનો ગુજરાતમાં કોઈ ખેડૂતે પાક નથી લીધો. સૌપ્રથમ વખત મારા ખેતરમાં આવા કાંદા થયા છે. - રાજદીપ પટેલ, ખેડૂત, સરસ ગામ
અન્ય ખેડૂતો માટે પણ ઉત્તમ દાખલો બેસાડ્યો છે
ક્ષારવાળી જમીનમાં ખેતી ન થવાની માનસિકતા જમીનને બંજર બનાવી રહ્યા છે. ત્યારે મારી પાસે પણ અરબી સમુદ્રના કાંઠે ક્ષારવાળી જમીન હતી. મેં એમાં પ્રાકૃતિક ખેતીથી શાકભાજી થકી સફળ ખેતી કરી છે. સરસ ગામના ખેડૂત રાજદીપ પટેલે પ્રાકૃતિક ખેતી થકી એક કિલો વજન સાથે સૌથી મોટા કદની ડુંગળીની ખેતી કરી ખેડૂતો માટે દાખલો બેસાડ્યો છે, ત્યારે આ પ્રાકૃતિક ખેતી થકી જ શક્ય થઈ શકે એમ છે. - લતાબેન પટેલ, મહિલા ખેડૂત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.