ઓલપાડ તાલુકાના દેલાડ ગામના ખેડૂત પરિવારના સાત વર્ષીય ટાબરિયાએ ચંડીગઢ ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલો મેળવી રાજ્ય સહિત દેલાડ ગામના ગૌરવમાં વધારો કર્યો છે. ઓલપાડ તાલુકાના દેલાડ ગામના પાટીદાર સમાજના ભૂમિપુત્ર અંકુરભાઈ રમેશભાઈ પટેલ હાલ અડાજણ-સુરત મુકામે રહી ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર જશ પટેલ હાલ સુરત શહેરના પાલ વિસ્તારની ભૂલકા વિહાર સ્કૂલના ધોરણ-1 માં અભ્યાસ કરી ઉત્તિણ થયેલ છે.આ સાત વર્ષનો ટાબરિયો જશ પટેલ સ્કેટિંગમાં ખુબ પાવરધો સાબિત થયો છે.
તેના પિતાએ ચંડીગઢ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલ રોલર સ્કેટ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધામાં ભાગ લેવા સુરતની એકેડેમી કે.સી.માસ્ટર સંસ્થા દ્વારા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવતા તેને સ્પર્ધામાં ભાગ લેવા એન્ટ્રી મળી હતી.આ સ્પર્ધામાં ગુજરાત, કર્ણાટક, તામિલનાડુ, કેરાલા, દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશભરના રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જશ પટેલે ‘વન લેપ રિંક રેસ’,’વન લેપ રોડ રેસ’તથા ‘ફાઈવ લેપ રિંક રેસ’ની ત્રણે સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમે રહેતા તેને જુદી જુદી સ્પર્ધા ને લઈને ત્રણ ગોલ્ડ મેડલોથી સન્માનિત કરાતા ગુજરાત રાજ્ય સહિત દેલાડ ગામ ના ગૌરવમાં વધારો કર્યો હતો. જશની અનોખી સિદ્ધિ બદલ ગામના મહિલા સરપંચ વિણાબેન પટેલ,માજી સરપંચ ભાવિન પટેલ સહિત ભાજપ મોવડી અને રાજ્ય સરકારના મંત્રીઓએ તેનું સન્માન કરી અભિનંદન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.