બેઠક:ઓલપાડમાં સ્થાનિક કક્ષાએ કૃત્રિમ તળાવ બનાવી વિસર્જન કરાવવા સરપંચોને સૂચના

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી દ્વારા સાયણમાં કૃત્રિમ તળાવ સાથે વ્યવસ્થા ઊભી કરવા સૂચના
  • તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની રજૂઆત ધ્યાને લઈ કામગીરી

સુરત જિલ્લા સાથે ઓલપાડ તાલુકાનાં તમામ ગામોમાં નિર્વિઘ્ને શાંતિ પૂર્ણ અને ભક્તિમય માહોલમાં ગણેશ પ્રતિમા વિસર્જન કરાવવાની બાબતે ઓલપાડ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તાલુકાનાં તમામ ગામના સરપંચો તથા ધાર્મિક સંગઠનો સાથે બેઠક કરી હતી. ત્યારે બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ તાલુકાનાં દરેક ગામોમાં સ્થાનિક કક્ષાએ ગામ તળાવ અથવા કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી વિસર્જન કરાવવાનું રહેશે, જ્યારે 5 ફૂટથી ઊંચી પી.ઓ.પી ની મોટી પ્રતિમાઓનું સુરત મહાનગર પાલિકાના કૃત્રિમ તળાવ અથવા હજીરાના દરિયા કિનારે વિસર્જન કરવાની સૂચના આપવામાં આવી હતી.

ઓલપાડ તાલુકામાં નિર્વિઘ્ને શાંતિ પૂર્ણ વાતાવરણમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થાય તે બાબતે સોમવારે સવારે ઓલપાડ પ્રાંત અધિકારી ચેતન ઉઘાડના અધ્યક્ષ સ્થાને તાલુકા સેવાસદન ખાતે તમામ ગામના સરપંચો તથા ધાર્મિક સંગઠનોના આગેવાનો સાથે બેઠક બોલાવી હતી. આગામી ગણેશ વિસર્જન ઉત્સવ નિર્વિઘ્ને શાંતિ પૂર્ણ અને ભક્તિમય માહોલમાં ઉજ્વવામાં આવે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમાટે વહીવટી તંત્ર દ્વારા સરપંચો તથા આગેવાનો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

જયારે સુરત ક્લેક્ટરની સૂચના મુજબ તાલુકાનાં દરેક ગામોમાં સ્થાનિક કક્ષાએ ગણેશ પ્રતિમા વિસર્જન કરવાનું હોવાથી બેઠકમાં હાજર દરેક સરપંચોને આગામી બે દિવસમાં ગણેશ વિસર્જન માટે ગામ તળાવ અથવા કૃત્રિમ તળાવ બનાવી વ્યવસ્થા ઊભી કરી ઓલપાડ પ્રાંતને રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. પી.ઓ.પી ની મોટી પ્રતિમાઓ સુરત મહાનગર પાલિકાના કૃત્રિમ તળાવમાં અથવા હજીરા દરિયા કિનારામાં વિસર્જન કરાવવાની રહેશે

જયારે બેઠકમાં હાજર ઓલપાડ તાલુકા વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા સાયણ ગામ ખાતે ગણેશ પ્રતિમા વિસર્જન બાબતે કરેલી લેખિત રજૂઆત મુજબ ગત વર્ષે ગ્રામ પંચાયત દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં 200થી વધુ પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવતા સ્થાનિક કક્ષાએ થયેલી કામગીરીએ ગ્રામજનોને મોટી રાહ થઈ હોય જેથી આ વર્ષે પણ સાયણ ગામ ખાતે સ્થાનિક કક્ષાએ જ વિસર્જન કરાવાની રજૂઆતની ગંભીરતને ધ્યાને લઈને ઓલપાડ પ્રાંત અધિકારી દ્વારા સાયણ ગામે કૃત્રિમ તળાવ સાથે અન્ય વ્યવસ્થા ઊભી કરી વિસર્જન કરાવવા પંચાયતને સૂચના અપાઈ હતી.

સાયણ ગ્રામ પંચાયતે સદર કામગીરી બાબતે આગામી બે દિવસમાં ઓલપાડ પ્રાંતને રિપોર્ટ કરવાનો રહશેે. બેઠકમાં હાજર ઓલપાડ મામલતદાર લક્ષ્મણ ચૌધરી દ્વારા અન્ય વહીવટી અધિકારીઓને તેમની જ્વાબદારી મુજબની કામગીરી કરવા સૂચનો કરવા સાથે પી.એસ.આઈ એમ.બી.ટોમર દ્વારા પોલીસ પણ કાયદો અને વ્યવસ્થાની કામગીરી સંદર્ભે સજ્જ હોવાનું જણાવ્યુ હતું.

હજીરાના દરિયામાં વિસર્જન કરવાની બાબતે ગણેશ મંડળોમાં કચવાટ
સરકાર દ્વારા છૂટ આપતા ગણેશ મંડળોએ પી.ઓ.પી ની પ્રતિમા સ્થાપન કર્યું ત્યારે હવે વિસર્જન નજીક આવતા વહીવટી તંત્ર દ્વારા નવા નિયમો બનાવી સુરત શહેર અને ગ્રામ્યમાં પી.ઓ.પીની મોટી પ્રતિમાનું સુરત મહાનગર પાલિકાના કૃત્રિમ તળાવ અથવા હજીરાના દરિયામાં વિસર્જન કરવાનો નિર્ણય લેતા ગણેશ મંડળોમાં કચવાટ સાંભળવા મળ્યો છે. અત્રે ઉલેખનીય છે કે સુરત ગ્રામ્યથી હજીરા સુધી જવા માટે 30 કિલોમીટરનું અંતર કાપવું મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...