તલાટી મંડળ નારાજ:કારેલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટીને સસ્પેન્ડ કરવાના મુદ્દે સુરત ગ્રામ્ય તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળ

ઓલપાડ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ ડીડીઓએ એકતરફી નિર્ણય કરી જોહુકમીથી ફરજ મોકુફીના હુકમથી તલાટી મંડળ નારાજ

ઓલપાડ તાલુકાના કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતન જાસોલીયાને નાયબ ડીડીઓ સુરતે કોઈપણ ખાતાકીય કાર્યવાહી વિના ફરજ મોકુફીનો હુકમ કરવાના વિરોધમાં જિલ્લાના તલાટીઓ નારાજ થતા ઓલપાડ તલાટી મંડળે ઓલપાડ મામલતદાર અને ટીડીઓને એક આવેદનપત્ર આપી રોષ ઠાલાવ્યો હતો. જયારે જિલ્લા તલાટી મંડળના આદેશના પગલે આજથી તાલુકાના તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા તાલુકાની ગ્રામ પંચાયતોમાં પ્રજા અને સરકારી કામગીરી ઠપ થઈ છે.

બુધવારે ઓલપાડ તાલુકા તલાટી મંડળે મામલતદાર તથા ટીડીઓને આવેદનપત્ર આપી ડીડીઓના એકતરફી નિર્ણય વિરૂધ્ધમાં ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તલાટી મંડળે રોષ ઠાલવતા કહ્યું કે, ઓલપાડ તાલુકાના પરીઆ ગામ સહિત કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતનભાઈ જાસોલીયા વિરૂધ્ધ થયેલી ફરિયાદ મામલે ડીડીઓએ વગદાર અને સાધન સંપ્પન મહિલા અરજદારે ઉપજાવી કાઢેલી રજૂઆત બાબતે કોઈ તપાસ અને કાર્યવાહી કર્યા વિના ફકત 25 જુલાઇ 2022ની રજૂઆત અરજીના એ જ દિવસે માત્ર ને માત્ર માલેતુજાર વર્ગનો ધમંડ સંતોષાય તેવા હેતુથી તલાટી કેતન જાસોલીયાને એકતરફી, કોઈપણ જાતના ગુણદોષ તપાસ્યા વિના ફરજ મોકુફીનો હુકમ કર્યો છે.

જો આ મેરીટથી કર્મચારીઓની ફરજ મોકુફી કરવામાં આવે તો, જિલ્લાના દરેક તલાટી કમ મંત્રીઓને ફરજ મોકુફ કરવા પડે તેવી હાલની પરિસ્થિતિ જણાઈ રહી છે. આવા સંજોગોમાં ગ્રામ પંચાયત કક્ષાએથી વહીવટ કરવો ખૂબ જ કઠીનતા ભર્યો બને તેવી ભીતી સેવાઈ રહી છે. જો આજ મેરીટથી આવી ઉપજાવી કાઢેલી અને તંત્રને બાનમાં રાખવાના ઈરાદાપુર્વક અને માત્ર ને માત્ર અરજદારની અહેમીયત જાહેર થાય તેવા કારણોસર ફરજ મોકુફી કરવામાં આવે તો અમારે ફરજ કેવી રીતે બજાવવી? જો આમ જ ચાલશે તો અસામાજીક તત્વોને પ્રોત્સાહન મળ્યું ગણાશે.

જયારે આ હુકમના વિરોધમાં જિલ્લા તલાટી મંડળ દ્વારા 26 જુલાઇએ ડીડીઓને આવેદન આપી જિલ્લાના તાલુકા મંડળ તરફથી મળેલ પ્રતિભાવોને ધ્યાનમાં લઈ જ્યાં સુધી નકકર નિરાકરણ ન આવે અથવા જિલ્લા મંડળનો બીજો આદેશ ન થાય ત્યાં સુધી દરેક તાલુકા મંડળના તલાટી કમ મંત્રીઓએ 27 જુલાઈથી તમામ કામગીરીનો બહિષ્કાર કરી તાલુકા કક્ષાએ હાજર રહી માત્ર આવશ્યક સેવાઓ સંબંધિત અને આપત્તિ વ્યવસ્થાપન સિવાય તમામ પ્રકારની કામગીરીઓ ન કરવા આદેશ કર્યો હતો, જેના પગલે તાલુકાના તલાટીઓ પણ જોડાતા ગ્રામ પંચાયત કચેરીઓમાં પ્રજા અને સરકારી કામ અટવાયું છે.

જિલ્લાના તલાટી કમ-મંત્રીઓ શા માટે વિફર્યા?
પરીઆ ગામના રેગ્યુલર અને કારેલી ગામે કેતન જાસોલીયા ઇન્ચાર્જ તલાટી તરીકે ફરજ બજાવતા હતા. 25 જુલાઈએ કારેલી ગામે બિનાબેન રાવ તેમની મિલ્કતનો કરવેરો ભરવા અને આકારણી નકલો મેળવવા આવી હતી. આ સમયે તલાટી સહિત ગામના સરપંચ સાથે મહિલાએ રકઝક કરી ધમકી આપી હતી કે, હું આરઆરએસ (RSS)માં છું અને મારો પુત્ર આઈએએસ IAS છે. હું તમને જોઈ લઈશ. તલાટીએ મહિલાને રૂપિયા ભરેલ પાકી રસીદ આપી હતી. મહિલાએ 25મી જુલાઈએ તલાટી કેતન જાસોલીયા વિરૂધ્ધ ડીડીઓને ફરિયાદ કરતા તલાટી તે દિવસે જ ફરજ મોકુફીનો કોરડો વિંઝતા એકતરફી અને જોહુકમી નિર્ણયથી નારાજ થઈ તલાટીઓ વિફર્યા હતા.

ઇન્ચાર્જ તલાટીને સસ્પેન્ડ કરવાનાં એકતરફી નિર્ણય સામે કામરેજ તલાટી મંડળનું વિરોધ પ્રદર્શન
નવાગામ | કામરેજ પ્રાંત, કામરેજ મામલતદાર તથા કામરેજ ટીડીઓને આવેદનપત્ર આપી કામગીરીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. ડીડીઓને કરેલ અરજીને ધ્યાને લઇ તલાટીને તક આપ્યા વગર કે તપાસ કર્યા વગર સસ્પેન્ડ કરી દેતા ઘેરા પત્યાઘાત પડ્યા છે અને ફક્તને ફક્ત માલેતુજાર વર્ગનો ઘમંડ સંતોષવા તપાસ વગર ફરજ મોકુફ કરેલ છે.27-7-2022નાં રોજથી તમામ કામગીરીનો બહિષ્કાર કરી તાલુકા કક્ષાએ હાજર રહી આવશ્યક સેવા સબંધિત અને આપતિ વ્યવસ્થાપન સિવાય તમામ કામગીરી બંધ રાખવાનો આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારી છે.

કારેલીના ઇન્ચાર્જ તલાટીને ડીડીઓ દ્વારા ફરજ મોકૂફ કરવાના વિરોધમાં માંગરોળમાં તલાટીઓની હડતાળ
વાંકલ | કારેલી ગામના ઇન્ચાર્જ તલાટી કેતનભાઇ જાસોલીયા વિરુદ્ધ એક મહિલા ફરિયાદી દ્વારા ઉપજાવી કરેલી ખોટી ફરિયાદના આધારે તપાસ વિના ડીડીઓએ એક તરફી નિર્ણય કરી તલાટીને ફરજમાં મોકૂફ કરી દેતા માંગરોળ તાલુકા તલાટી મંડળે વહીવટી કામ બંધ કરી હડતાલ પાડી વિરોધ દર્શાવ્યો છે. માંગરોળ તલાટી મંડળના પ્રમુખ જીગ્નેશ વસાવા જિલ્લા તલાટી મંડળના મહામંત્રી અશોક વણકર સહિત મંડળના સભ્યોએ ટીડીઓ કચેરીમાં ટી પી ઓ હેમંત એચ મહેતા આવેદન પત્ર સુપ્રત કર્યું હતું તેમજ મામલતદારને આવેદન પત્ર આપ્યુ હતુ. જ્યાં સુધી નિર્દોષ તલાટીને ન્યાય નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...