ઓલપાડ તાલુકાના ઉમરા ગામે જનરલ સ્ટોર્સ સાથે કરિયાણાનો ધંધો કરતા દુકાનદારને ચેક રિટર્ન કોર્ટના કેસમાં માર મારી ધમકીઓ આપતા મામલો ઓલપાડ પોલીસ મથકમાં પહોંચ્યો છે. જેના પગલે પોલીસે 12 દિવસ પછી અક્ષય નામના ટપોરી સહિત તેના બે અજાણ્યા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મુળ અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના તોરી ગામના વતની દિપક ગોરધનભાઈ સાવલીયા હાલ ઓલપાડના ઉમરા ગામે મકાન નંબર-૨૭,લાભદે સોસાયટી, મધુવન સ્કુલની બાજુમાં રહે છે.તેઓ ઉમરા ગામમાં જ શિવપાર્કમાં ખોડલ જનરલ સ્ટોર્સ નામથી કરીયાણાની દુકાન ચલાવે છે.
ગત તા.30 એપ્રિલના રોજ તેઓ સવારના આશરે નવેક વાગ્યાના સુમારે તેની કરીયાણાની દુકાનમાં હતા, તે વખતે 11 કલાકના સુમારે તેની દુકાને બે અજાણ્યા શખ્સો આવ્યા હતા અને તેના ઉપર અચાનક હુમલો કરી ઢીક્કા-મુક્કીનો માર મારી ગંદી નાલાયક ગાળો બોલી ધમકી આપી હતી કે અમો બંન્ને અક્ષય હરી કપુરીયાના માણસો છીએ,તેમ કહી તેમાંથી એક ઇસમે અક્ષયને ફોન કરતા તેણે પણ કહ્યું હતું કે,તારી દુકાને આવેલા મારા જ માણસો છે.
તારો મુકેશભાઇ સાથે જે ચેક રિટર્નનો કેસ ચાલુ છે,તેમાં હવે તારે વધારે કંઈ કરવાનું નથી અને જો તું કેસ જીતી ગયો તો તારૂં જીવવાનું હરામ કરી દઇશું.જયારે દુકાને આવેલા બંન્ને અજાણ્યા ઈસમો પણ ધમકી આપી હતી કે,તું અક્ષયભાઇ જેમ કહે તેમ જ કરજે,નહીં તો ઉમરા ગામમાં તને કોઇ પણ જાતનો ધંધો કરવા તો ઠીક પણ જીવતો પણ રહેવા નહીં દઇએ.આવી ધમકી આપી બંન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
જો કે અક્ષય નામનો ટપોરી અગાઉ પણ બે વખત તેની દુકાને આવી આ બાબતે બબાલ મચાવી ફરિયાદિને ઢીક્કા-મુકકી નો માર મારી ગયો હતો.આ મામલે દિપક ગોરધનભાઈ સાવલીયાએ ઓલપાડ પોલીસ મથકમાં તે સમયે ફરિયાદ આપી હતી.પરંતુ ઓલપાડ પોલીસને ગત બુધવારે મોડી સાંજે ગુનો નોંધવાની ફુરસદ મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.