દાદાગીરી:સાયણમાં હું અહીંનો દાદો છું, કહી 3 દારૂડિયાએ દુકાનદારને ચપ્પુ માર્યું

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બચાવવા પડેલા દુકાનદારના ભાઇને પણ માર મરાયો
  • દુકાનના બાંકડા પર બેસવાની ના પાડતા હુમલો કરાયો

ઓલપાડ તાલુકામાં પરપ્રાંતિ વસ્તી ધરાવતા સાયણ ટાઉનમાં રહેતા અને દેલાડ ખાતેની એક ઇન્ડસ્ટ્રીઝમાં નાસ્તાની દુકાન ચલાવતા રાજસ્થાની યુવક ઉપર એક શખ્સે ચપ્પુના ઘા ઝીંકી હુમલો કરી હોસ્પિટલ ભેગો કર્યો છે.જયારે તેને બચાવવા દોડેલા નાના ભાઈને પણ આ શખ્સોએ લાકડીના સપાટાથી ફટકારી બબાલ મચાવતા આ મામલો ઓલપાડ પોલીસ મથકમાં પહોંચ્યો છે.

ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મુળ રાજસ્થાન રાજ્યના ભીલવાડા જિલ્લાનો વતની નારાયણ મોતીલાલ જાટ (ઉ.વ.૨૭)હાલ સાયણ-પરીઆ રોડ પર શુકન બંગ્લોઝની બાજુમાં આવેલ મારૂતિ એપાર્ટમેન્ટના ઘર નં.-૨,માં રહે છે.તે હાલમાં દેલાડ ગામે ગણેશ ઇન્ડસ્ટ્રીઝ,ચીકુવાડીમાં રાધેશ્યામ કંપનીમાં બાપા સીતારામ નાસ્તા નામની હોટલ ચલાવે છે.જયારે તેનો નાનો ભાઇ કનૈયાલાલ નાસ્તાની દુકાનની બાજુમાં મોબાઇલ એસેસરીની દુકાન ચલાવે છે.ગત શુક્રવાર,તા.૨૦ ની મોડી રાત્રે ૧૦ કલાકના સુમારે તેની દુકાન પાસે ત્રણ ઇસમો મોટર સાયકલ ઉપર આવ્યા હતા.જે પૈકી બે ઈસમો થોડે દુર ગયા બાદ અજય પ્રકાશ ત્રિપાઠી નામના એક ઈસમે દુકાન નજીક પડેલ લોખંડના બાકડાને લાત મારી હતી.

જેથી નારાયણ જાટે તેને વિનંતી કરી હતી કે, ભાઈ કેમ તું મારા બાકડાને લાત મારે છે?તને પગમાં ઇજા થઇ જશે.આ સમયે અજય ત્રિપાઠીએ તેને નાલાયક ગાળો આપી કહ્યું કે,તું મગજમારી ન કર,મારે બીજા માણસો સાથે ઝઘડો થયેલ છે.જેથી નારાયણ જાટે તેને ત્યાંથી જતો રહેવાનું કહ્યું હતું અને જો ન જશે તો પોલીસને બોલાવવાનું કહ્યું હતું.જો કે તે સમયે ત્રણે ઈસમો ત્યાંથી મોટર સાયકલ પર બેસી ચાલ્યા ગયા હતા.ત્યાર બાદ શનિવાર,તા.૨૧ ના રોજ રાત્રે ૧૧:૪૫ કલાકના સુમારે ફરી ત્રણે શખ્સો દારૂનાં નશામાં તેની દુકાને આવીને બબાલ મચાવી હતી.જે પૈકી અજય ત્રિપાઠીએ નારાયણ જાટને જાનથી મારી નાંખવાની ધમકી અને નાલાયક ગાળો આપી હુમલો કરતા કહ્યું કે,તું મને ગઈકાલે કેમ તારી દુકાને ઉભો રહેવાની ના પાડતો હતો?તારી દાદાગીરી વધી ગઇ છે.હું અહીંનો દાદો છું.તેમ જણાવી નારાયણને લાકડીના સપાટાથી માર માર્યા બાદ ઉશ્કેરાઇને માથાના ભાગે,જમણા થાપા તથા જમણા પગનાં ઘુંટણની પાછળ ઉપરા-છાપરી ચપ્પુનાં ઘા માર્યા હતા.આ હુમલામાં નારાયણને લોહી વહેતા તે બેભાન થઇ ગયો હતો.જેથી તેને સારવાર અર્થે સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જયારે નારાયણને બચાવવા દોડેલ તેનો નાનો ભાઇ કનૈયાને પણ અજય ત્રિપાઠીના અન્ય બે સાગરીતોએ ઢીક્કા-મુક્કી અને લાકડીનાં સપાટાથી માર મારતા તેને હોઠનાં ભાગે ઇજા થઈ હતી.આ બબાલ સમયે આવેશમાં આવેલ ત્રણે આરોપીઓએ કનૈયાની દુકાનમાં દિવાળી તહેવાર નિમિત્તે વેચાણ માટે લાવેલ લાઇટિંગની સિરીઝો પણ તોડી નાંખી નુકસાન કર્યું હતું.જેથી નારાયણ જાટે હોસ્પિટલના બિછાનેથી ચપ્પુના ઘા મારનાર અજય પ્રકાશ ત્રિપાઠી સહિત તેના બે અજાણ્યા સાગરીતો વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...