સાયણ ગામે સોમવારની મોડી રાત્રે અગમ્ય કારણસર થયેલી મારા મારી બાદ બે ટપોરી ટોળા તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે આમને સામને આવી, મારા મારી કરી, વિફરેલા જૂથે 1 બાઇક સળગાવી અને 3નો ખુરદો બોલાવ્યો હતો, જયારે એક દુકાનદારને માર મારી હોસ્પિટલ ભેગો કર્યો હતો. આ ઘટનાથી લોકો ફફડી ઉઠ્યા હતા. જ્યારે તીક્ષ્ણ હથિયાર સાથેના હુમલાની ઘટના બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરતા કામગીરી શંકાના દાયરામાં આવી છે.
ઓલપાડ તાલુકાના સાયણ ગામે સક્રિય બનેલા પરપ્રાંતીય અને સ્થાનિક ટપોરીઓની બે ગેંગ નજીવી બાબતે અંદરો અંદર ઝઘડો કરી તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર લઈને આમને સામને આવી જઇ જીવલેણ હુમલો કરી ધમાલ કરવાની વાતે સાયણ ગામની જનતા ભયભીત બની છે. લાંબો સમયથી સક્રિય બનેલી ટપોરીઓની ટોળકી પર સાયણ પોલીસના છૂપા આશીર્વાદ હોવાથી બેફામ બનેલા તપોરીઓ સોમવારની રાત્રે ફરીવાર તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે રસ્તે ઉતરી આવી ધમાલ મચાવી હતી.
સોમવારની મોડી રાત્રે 11 વાગ્યાના અરસામાં સાયણ સુગર રોડ પર આવેલી આદર્શનગર 3 સોસાયટીમાં કોઈક અગમ્ય કારણસર તપોરી તત્વોઓ વચ્ચે મારા મારી થતા એક યુવકને મારમારવામાં આવ્યો હતો. આ મારા મારી થતા અન્ય ટપોરીઓનું જૂથ ઘટના સ્થળે ધસી આવતા તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે ટોળકી આમને સામને થતા ઘટનાની જાણ થતાં સાયણ પોલીસ ઘટના સ્થળે ધસી આવતા ટોળું વિખેરાઈ ગયુ હતું. ત્યારબાદ પોલીસ ચાલી જતા ફરી મોટું ટોળું ભેગું થઈ ગયેલું. ત્યારે એક ટોળાએ બાઇક સાયણ સુગર મેઈન રોડ પર લાવી સળગાવી હતી.
સાથે આદર્શ નગર 3 સોસાયટીમાં જઈને મોપેડ નંબર GJ05, HT8905 અને બાઇક GJ 05,MP 2658 તથા એક નંબર વગરની મોપેડ મળી 3નો ખુરડો બોલાવવા સાથે બંને ટોળા વચ્ચે 2 અજાણ્યા ટપોરી તલવાર મારતા ગંભીર ઇજા થઇ હતી. રાત્રે બે ટપોરી ટોળકી વચ્ચે થયેલી મોટી મારામારી બાદ કેટલાક ટપોરીઓ મંગળવારની વહેલી સવારે સાયણ ઓલપાડ રોડ પર હાઈસ્કૂલ નજીક આવેલી એવન આલુપુરીની દુકાનનો સામાન તોડી નુકસાની કરતા હોય, ત્યારે ત્યાં આવી ગયેલા દુકાન માલિક સઈદભાઈ શેખે તેમને રોકવા જતા 5થી 6 જેટલા ટપોરીઓએ લાકડીના ફટકા અને લઈને દુકાન માલિકને માર મારવા સાથે ગંભીર ઇજા પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સાયણ પોલીસના જાણે આશીર્વાદથી બેફામ બનેલા ટપોરી તત્વોએ તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર સાથે રાત્રીના અંધારામાં હુમલો કરી ધમાલ કરવા સાથે દિન દહાડે પણ દુકાનદાર પર હુમલો કરવાની વાતે ગ્રામજનો ભયભીત બન્યા છે.
સાંજ સુધી પોલીસ ફરિયાદ ન નોંધાઇ
સોમવારની રાત્રે 11 વાગ્યાના અરસામાં સાયણ ગામે સુગર રોડ પર ટપોરીઓની બે ટોળકી તીક્ષ્ણ હથિયાર સાથે આમને સામને થવાની ઘટનામાં ભોગ બનેલા દુકાનદારને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા હોસ્પિટલમાં MLC કર્યાના કલાકો બાદ પણ સાયણ પોલીસે ઘટના બાબતે પોલીસ ફરિયાદ દાખલ ન કરતા પોલીસની ટપોરી ટોળકી સાથેની મિલીભગત છતી થઈ.
પીએસઆઈ 17 કલાકે પણ ઘટનાથી અજાણ
ટપોરી ટોળકીએ ધમાલ કરી સાયણ ગામની જનતાને બાનમાં લેવા સાથે બાઇક સળગાવી દેવા સાથે દુકાનદારને માર મારી હોસ્પિટલમાં દાખલ કરવા જેવી ગંભીર ઘટનામાં પોલીસ કામગીરી બાબતે દિવ્ય ભાસ્કરે પૂછતાં પી.એસ.આઈ એમ. એ. ચૌહાણ ઘટના બન્યાના 17 કલાકે પણ ઘટનાથી અજાણ હોવાનું કહેતા પોલીસ ઘટનામાં શું કામગીરી કરશે તે સ્પષ્ટ પણે દેખાઈ આવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.