પ્રેમ વિવાહ કરનારી પરિણીતાએ પોતાની 12 દિવસની બાળકીની બીમારીથી કંટાળી તેને અનાજમાં નાખવાનો ઝેરી પાઉડર પીવડાવી મારી નાખી છે. ઝેર પીવડાવ્યા બાદ પોતે પણ ઝેરી પાઉડર પીને આપઘાત કરવાની કોશિશ કરી હતી. આ ઘટનામાં બાળકીનું મોત થયું હતું જ્યારે સમયસર સારવાર મળતા માતા બચી જતા તેના પતિએ 12 દિવસની બાળકીની હત્યા કરવા બદલ પત્ની વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. ઓલપાડ તાલુકાના સોંદલાખારા ગામે મોટું ફળિયું ખાતે રહેતા જયકુમાર પટેલે દોઢ વર્ષ પહેલા વિભૂતિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 24 ઓક્ટોબરના રોજ વિભૂતીએ બાળકીને જન્મ આપ્યો હતો.
બાળકીને જન્મ આપ્યા બાદથી તે પિયરમાં રહેતી હતી. 5 નવેમ્બરે વિભૂતિ અચાનક ઉલ્ટી કરવા લાગેલી ત્યારે તેની માતા ઉર્મિલાબેને વિભૂતિને ઉલ્ટી થવાનું કારણ પૂછતા તેણે કહેલું કે, તેની 12 દિવસની દીકરીનો જન્મ થયો ત્યારથી તેને અલગ અલગ બીમારીઓ થતી આવેલી હોવાથી કંટાળીને બાળકીને અનાજમાં નાખવાનો પાઉડર પીવડાવી જાતે પણ પાઉડર પીધો છે. બંનેને હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કર્યું હતું જ્યારે વિભૂતીને સુરતની સ્મીસ્મેર હોસ્પિટલમાં ખસેડાતા તે બચી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.