દુર્ઘટના:ગોલા ગામે આગમાં 3 રહીશોના મકાન ખાક

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાજ સહિત ઘરવખરીનો વિવિધ સામાન ભસ્મિભૂત થતા મોટું નુકસાન

ઓલપાડ તાલુકાના ગોલા ગામે લીમડા ફળિયાના ત્રણ મકાનોમાં રવિવારે બપોરે અચાનક આગ લાગી હતી.જેમાં મકાનમાં રાખેલ ઘરવખરીનો સામાન અને મકાનના માળીયાના લાકડા બળીને ભસ્મિભૂત થતા મોટું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ઓલપાડ તાલુકાના ગોલા ગામના લીમડા ફળિયામાં મકાન નં.43 માં રણજીતસિંહ હરેન્દ્રસિંહ ચૌહાણ(50) (રહે છે.તેઓ સાયણ સુગર ફેક્ટરી) ચીફ એકાઉન્ટન્ટની નોકરી પણ કરતા હોવાથી તેઓ હાલ રહે.81, ગણેશનગર સોસાયટી,કીમ જીનની પાછળ-કીમ મુકામે પણ રહે છે. પરંતુ નોકરી સાથે તેઓ ખેતી પણ કરતા હોવાથી મકાનમાં અનાજ સહિત જીવન જરૂરિયાતનો ઘરવખરીનો સામાન પણ હતો. છેલ્લા 3 દિવસથી ખેતી કામ અર્થે પરિવારજનો સાથે ગોલા ગામે આવ્યા હતા.

રવિવારના રોજ બપોરે 12:30 કલાકના સુમારે અચાનક તેમના મકાનમાં માળ પર કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જેથી ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી આગ બુઝાવવા પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ ઉનાળાના ભર બપોરે ભભુકેલ આગની જવાળાએ તેમની બાજુમાં રહેતા ભત્રીજા યતિનસિંહ ચૌહાણના મકાન નં.44 અને તેમની બાજુમાં રહેતા કાકા મોહનસિંહ રૂપસિંહ ચૌહાણના મકાન નં-45ને પણ લપેટમાં લેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આગને કાબુમાં લેવા રણજીતસિંહે સુરત, મોરાભાગળ ફાયર સ્ટેશનથી 2 બંબા બોલાવતા ઘટનાસ્થળે આવેલ ફાયર જવાનોએ મહામહેનતે આગને કાબુમાં લીધી હતી.

જો કે આગ કાબુમાં આવે તે પહેલા રણજીતસિંહ અને યતિનસિંહ ચૌહાણના કાચા મકાનની ઉપરના માળીયા આખા સળગી ગયા હતા. જયારે મકાનની નીચેના ભાગે મુકેલ અનાજ, વાસણો તથા ઘરવખરીનો જરૂરી સામાન સાથે લાકડાઓ સળગી જતા બંન્નેને ભારે નુકશાન થયું હતું. જયારે બાજુમાં આવેલ મકાન નં.45 મોહનસિંહ રૂપસિંહ ચૌહાણના ઘરની દિવાલને આગ લાગતા ઘરના પતરાઓ તથા દિવાલને નુકશાન થયું હતું. જોકે, સદ્દનસીબે આગ ઘટનાથી કોઈ જાનહાનિ ન થતા ગ્રામજનો સહિત અસરગ્રસ્તોએ રાહતનો દમ લીધો હતો. જયારે આગ લાગવાનું કારણ હાલ પણ અકબંધ રહેતા રણજીતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા ત્રણે મકાન સહિત ઘરવખરીને નુકસાન થતા ગામના તલાટી અને પોલીસ ઘટનાસ્થળે આવી તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...