ઉજવણી:દેલાડ ગામે હળપતિ સમાજની 15 લક્ષ્મીની પૂજા આરતી કરી ધનતેરસ ઉજવાઈ

ઓલપાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
દેલાડમાં દીકરીઓની પુંજા કરી ધનતેરસની અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરવામાં આવી. - Divya Bhaskar
દેલાડમાં દીકરીઓની પુંજા કરી ધનતેરસની અનોખી રીતે ધનતેરસની ઉજવણી કરવામાં આવી.
  • લક્ષ્મીજીના ચાંદીના સિક્કા તથા પ્રમાણપત્ર અર્પણ કરી ઓલપાડની દેલાડ ગ્રામ પંચાયતે દિકરીના જન્મ વધામણાની પરંપરા જાળવી રાખી
  • દીકરી વધામણાં યોજના થકી 100થી વધુ બાળકીઓે સન્માનિત

ઓલપાડ તાલુકાની દેલાડ ગ્રામ પંચાયતે બેટી બચાવો અભિયાન અંતર્ગત દીકરીઓના જન્મને પોત્સાહન પૂરું પાડવા જન્મબાદ દીકરીના વધામણાં બાબતે શરૂ કરેલા અભિયાનની પરંપરા આજે 5 વર્ષ પણ જાળવી રાખી છે. જેના ભાગરૂપે આજે ધનતેરસના પાવન પર્વે ગામમાં હળપતિ સમાજમાં જન્મેલી 15 નવજાત દિકરીઓના વધામણાં કરવામાં આવ્યા હતા. ઘણા વર્ષોથી સમગ્ર દેશમાં બાળકોના જન્મ પૂર્વે ગર્ભ પરીક્ષણમાં દીકરી હોવાનું પ્રકાશમાં આવતા ભૃણ હત્યાના પગલે દેશમાં દીકરીઓના જન્મ દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો.

આ ગંભીર સમસ્યાની ચિંતા કરી તેના નિવારણ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની પ્રજાને કન્યા કેળવણી સહિત ‘બેટી બચાવો- બેટી પઢાવો’નું સૂત્ર આપી દીકરીઓના જન્મદરમાં વધારો કરવા અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનને સાર્થક કરવા ઓલપાડ તાલુકાના દેલાડ ગામના સરપંચ ભાવિન પટેલની ટીમે પાંચ વર્ષ પૂર્વે ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા તેના જન્મ બાદ વધામણાં કરવા બીડું ઝડપી પરંપરા શરૂ કરી હતી.

આ પરંપરા આજે પણ દેલાડ ગ્રામ પંચાયતે જાળવી રાખી છે. લક્ષ્મીજીના પાવન પર્વ ધનતેરસના શુભ દિને ગામના સરપંચ ભાવિન પટેલ, ડેપ્યુટી સરપંચ જેનિશ પટેલ તથા પંચાયત સભ્યોની ટીમે દેલાડની હદમાં તાજેતરમાં હળપતિ સમાજના પરિવારોમાં જન્મેલી 15 દીકરીઓની લલાટે કુમકુમનું તિલક કરી દરેક દીકરીઓની આરતી ઉતારી લક્ષ્મી માતાજીના ચાંદીના સિક્કા અર્પણ કરી દીકરીઓનું પુંજન કરી પુષ્પથી સ્વાગત કરી વધામણાં કર્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચ ભાવિન પટેલની ટીમે દીકરીઓને જન્મ આપનાર તમામ માતાઓનું પણ પુષ્પથી સન્માન કરી દીકરીઓના આરોગ્યની સારસંભાળ રાખવા અને તેને ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસ કરાવવા અપીલ કરી હતી, જયારે દેલાડના સરપંચ ભાવિન પટેલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના “બેટી બચાવો-બેટી પઢાવો”ના સ્વપ્નને સાકાર કરવા સાથે દીકરીના જન્મને પોત્સાહન આપવા દેલાડ ગ્રામ પંચાયતની દીકરી વધામણાં યોજના થકી 100થી વધુ બાળકીઓને સન્માનિત કરી છે અને અત્યાર બાદ પણ આ કામગીરી કરવાની તૈયારી બતાવી હતી.

દીકરીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં પણ ગ્રામ પંચાયત તત્પર
દીકરીના જન્મને પોત્સાહન પૂરું પાડવા દીકરી વધામણાં યોજના જેવી ગ્રામ્ય કક્ષાએ રાજ્યમાં એકમાત્ર દેલાડ પંચાયત દ્વારા કામગીરી થઇ રહી છે, જ્યારે આટલુંજ નહિ હોય ત્યાં રાજ્ય સરકારની દીકરીઓ માટેની સુકન્યા બોન્ડ સહિતની અન્ય યોજનાનો લાભ આપવામાં પણ ગ્રામ પંચાયત તત્પર રહે છે.

અન્ય સમાચારો પણ છે...