ફરિયાદ:અટોદરા ગામમાં ઉછીના રૂપિયા મુદ્દે સમાધાનમાં ભેગા થયેલા બે જૂથ બાખડ્યા

ઓલપાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુહાડી,ધારીયું અને લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડવાની ઘટનામાં સામસામી ફરિયાદ

ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમમાં આવેલ પશુ તબેલામાં બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થતા મામલો ઓલપાડ પોલીસ મથકમાં પહોંચ્યો છે. જયારે આ બબાલમાં કુહાડી, ધારીયું અને લાકડાના ફટકા મારી ઇજા પહોંચાડતા હોસ્પિટલ ભેગા થયેલા ઇજાગ્રસ્તોએ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર ઓલપાડ તાલુકાના અટોદરા ગામની સીમના આહિર ફળિયાના દાંડી રોડ ઉપર પશુનો તબેલો આવેલો છે. આ તબેલામાં રહેતા અને હાલ સુરત, રામનગરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દેવકણ ભાયાભાઇ કરમણભાઇ મારૂએ ઓલપાડ પોલીસને ફરિયાદ આપતા જણાવ્યું કે આ ગુનાના નવ આરોપીઓ ગત શનિવાર, તા.2 ઓક્ટોબરના રોજ સાંજે 7.30 કલાકના સુમારે મારા પિતાજી ભાયાભાઈને આપેલ ઉછીના રૂપિયા બાબતે તબેલામાં સમાધાન માટે ભેગા થયા હતા.

આ ગુનાના આરોપીઓએ એકસંપ થઈ પોતાનો સમાન ઉદ્દેશ પાર પાડવાના હેતુથી ધારીયું,કુહાડી તથા લાકડાના ફટકા જેવા પ્રાણઘાતક હથિયાર સાથે સજ્જ થઈ ગેરકાયદેસર મંડળી રચી ધમકી આપી હતી કે,જો અમારા રૂપિયા પરત નહીં આપશો તો તારા ભાઈ શૈલેષ ઉર્ફે છેલાને માર મારીને જાનથી મારી નાંખીશું.તે દરમ્યાન આ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ધારીયા, કુહાડી,લાકડાના ફટકા વડે ગંભીર ઈજાઓ ઢીક્કા-મુક્કીનો માર મારી અમારા પરિવારજનોને ગંભીર ઈજાઓ કરી હતી.

જયારે સામે જૂથના ફરીયાદી વિપુલ બાથાભાઇ કરમણભાઇ મારૂ પણ હાલ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.તેમણે પણ સામા જૂથના પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે,આ આરોપીઓએ અમોને કુહાડી,ધારીયું તેમજ લાકડીના ફટકા સાથે માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી પોતાની ફોર વ્હિલર ગાડી લઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ઓલપાડ પોલીસે બનેવ પક્ષે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

એક જૂથના 9, બીજા જૂથના 5 આરોપી
મુળ બોટાદ જિલ્લાના વતની અને હાલ અટોદરા ગામે તબેલામાં રહેતા આરોપીઓ પૈકી વિપુલ બાથા કરમણભાઇ મારૂ, લાલા મારૂ, સુરેશ બાથાભાઇ મારૂ, વનાભાઇ વલુભાઇ મારૂ,વિજય બાથાભાઇ મારૂ,ભરત વલુભાઇ મારૂ, લખુ વલુભાઇ મારૂ, વિપુલ બાથાભાઇ મારૂ તથા હાલ ઓલપાડ તાલુકાના મોરથાણ ગામે રહેતા સાજન ટેગુભાઇ મારૂ, રાણાભાઇ મારૂ સામે ફરિયાદ થઇ હતી. સામે પક્ષે ભાયા મારૂ, દેવકણ ભાયા મારૂ, શૈલેષ ભાયાભાઇ મારૂ, જગા મારૂ, બુધા મારૂ વિરુદ્ધમાં ફરિયાદ દાખઇ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...