હત્યા:દેલાડ ગામે સામાન્ય ઝઘડામાં રેમ્બો ચપ્પુથી શરીરે 8 ઘા મારી યુવકની હત્યા

ઓલપાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાઈક સામસામે આવી જતા બોલાચાલી બાદ મામલો હત્યા સુધી પહોંચી

ઓલપાડ તાલુકાના દેલાડ ગામે ટેમ્પો ચાલકને તેની જ કોલોનીમાં રહેતા અન્ય એક ઈસમ સાથે સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલી બાદ મામલો બિચકતા રેમ્બો ચપ્પુના ઉપરા-છાપરી ઘા મરાયા. ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઓલપાડ પોલીસે હત્યારા આરોપીને દબોચી લીધો હતો.

દેલાડ ગોખલે કોલોનીમાં રહેતા દિનેશ રાઠોડ (40) જે દેલાડ ગામના રતિલાલ આહિરના સિલિન્ડર વાહુતક ટેમ્પા ઉપર ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા હતા. સોમવાર,તા.11 ના રોજ રાત્રે મૃતક દિનેશ રાઠોડની પત્ની સોનલે ઘર પાછળ મુકેલ મો.સા.ઘરના આગળના ભાગે મુકવાનું કહેતા દિનેશ રાઠોડ મો.સા. ગોખલે કોલોનીમાં પ્રકાશ મારવાડીની દુકાન પાસેથી ઘરના આગળના ભાગે આવી રહ્યો હતો. ત્યારે ગોખલે કોલોનીમાં પ્રકાશ મારવાડીની દુકાનની બાજુમાં રહેતો વિશાલ મુકેશ વસાવા તેની મો.સા.સામે આવતા બંન્ને વચ્ચે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.

ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંન્ને વચ્ચે મારામારી પણ થઈ હતી. વિશાલ વસાવા ઉશ્કેરાઈ ગયો હતો અને દિનેશ રાઠોડ ઉપર રેમ્બો ચપ્પુથી હુમલો કરી દિનેશ રાઠોડને પ્રકાશ મારવાડીની દુકાનની બાજુમાં કપચીના ઢગલા ઉપર પાડી માથામાં, મોઢાં તેમજ છાંતીના ભાગે ચપ્પુના 8 જેટલા ઘા કાર્યા હતા, જેથી ઈજાગ્રસ્ત દિનેશ રાઠોડને સારવાર અર્થે જીવનરક્ષા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.પરંતુ તબીબે દિનેશ રાઠોડને મૃત જાહેર કર્યો હતો.

હત્યાના બનાવ બાબતે મૃતક દિનેશ રાઠોડની પત્ની સોનલબેને ઓલપાડ પોલીસમાં વિશાલ મુકેશ વસાવા વિરૂધ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપી વિશાલ મુકેશ વસાવાને ગણતરીના કલાકોમાં પકડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...