કોરોના કહેર:જિલ્લામાં શનિવાર ભારે પડ્યો, કોરોનાના 12 કેસ, ઓલપાડ અને ચોર્યાસીમાં 4-4, મહુવા અને પલસાણા તાલુકામાં 2-2 કેસ

ઓલપાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં શનિવાર ભારે રહ્યો હતો. જિલ્લામાં એક સાથે કોરોના પોઝિટિવ 12 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ઓલપાડ તાલુકામાં 4, મહુવામાં મુંબઈથી આવેલ દંપતિ કોરોના પોઝિટિવ, જોળવામાં મહારાષ્ટ્રમાંથી આવેલ દંપતિ અને ચોર્યાસીમાં 4 મળી જિલ્લામાં 12 કોરોના પોઝિટિવ સામે આવતા લોકોમાં ચિંતા વધી છે.

મહારાષ્ટ્ર ફરીને આવેલું જોળવાનું દંપતી પોઝિટિવ
ચોથા તબક્કાના લોકડાઉનમાં થોડા અંશે છૂટ મળતા મૂળ મહારાષ્ટ્રના ધુલિયાનું અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલ આરાધના રેસિડેન્સીના વિભાગ ત્રણના A 95 નંબરના મકાનમાં રહેતા જ્ઞાનેશ્વરભાઈ રતનભાઈ પાટીલ (50) અને તેની પત્ની વંદના પાટીલ સાથે તેના બાળકો સાથે પોતાના વતન ધુલિયા(મહારાષ્ટ્ર) ગયા હતા. થોડા દિવસ અગાઉ પરત આવ્યા હતા.  શુક્રવારના રોજ અચાનક પતિ-પત્નીની તબિયત લથડી જતા તેઓ ગામના આવેલ ખાનગી દવાખાને ગયા હતા. જ્યાં હાજર ડોકટરે તેઓને લક્ષણના આધારે સુરત સિવિલમાં જઈ કોરોના માટેનો ટેસ્ટ કરવાની સલાહ આપી હતી. જે બાદ દંપતીએ સુરત સિવિલ સેમ્પ આપતા શનિવારના રોજ પાટીલ દંપતિને ઉકાતરસાડી ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં ખસેડી સોસાયટીમાં સર્વે કરી કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખભાઈ ચૌધરીએ સ્થળ મુલાકત લીધી હતી.  

મુંબઈથી વાંસકુઈ આવેલા દંપતીને કોરોના

મૂળ મહુવા તાલુકાના વાંસકુઈ ગામે નેવણીયા ફળિયામા રેહતા મુકેશભાઈ રમણભાઈ પટેલ હાલ મુંબઈમાં રહે છે. લોકડાઉન 4 હળવુ થતા ગત તા-25 મે ના રોજ પોતાની પત્ની અને બે બાળકો સાથે પરવાનગી લઈ મુંબઈથી વાંસકુઈ ગામે આવ્યા હતા.મુંબઈથી આવતા જ આરોગ્ય વિભાગને જાણ થતા મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની જયાબેન પટેલના સેમ્પલ લઈ તેમને હોમ ક્વોરોન્ટાઈન કર્યા હતા. આ બંને પતિ પત્ની ના શનિવારે સવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્વરિત આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘરે આવી તેમને માલિબા કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.અને આખા ફળિયાને ઉપરાંત તેમના સંપર્કમા આવેલ ચાર વ્યક્તિઓને પણ હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આખા ગામને સેનેટાઈઝ કરવાની તજવીજ પંચાયત અને આરોગ્ય વિભાગે હાથ ધરી હતી.

સરોલી ગામે 4 કેસ 
ચોર્યાસી તાલુકામાં પણ શનિવારના રોજ સરોલી ગામના 4 કોરોના પોઝિટિવ આવ્યા હતાં. જેમાં લસરિયા લાલજીભાઈ જસુભાઈ (35)  લસરિયા હેમાલી લાલજીભાઈ (4) નક્ષ પ્રમોદભાઈ ગુપ્તા (7), બરાઈ પ્રિયા હિંમતભાઈ (9)( તમામ રહે. સરોલી નેચરવિલા. તા. ચોર્યાસી)

સોંદલખારા, ભાંડુત, સાયણ અને મોર ગામમાં 1-1 કેસ
ઓલપાડ તાલુકામા કોરોના પોઝિટિવ 22 કેસ માંથી 21 જણાને ગત રોજ સુધીમાં રજા અાપી દેવામાં આવી હતી. જ્યારે એક જ વ્યક્તિ સારવાર હેઠળ હતો. જ્યારે શનિવારના રોજ  તાલુકાના સોંદલાખારા ગામે રહેતા હિનાબેન કિશોરભાઈ પટેલ (40), કાંઠા વિસ્તારમા આવેલ ભાંડુત ગામના દિનેશભાઇ દયાલભાઈ આહીર (56), મોરગામના જીતેન્દ્રભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ (31) તેમજ સાયણગામે રહેતો જીગર મનહરભાઈ મૈસુરિયા  (20) નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...