ઓલપાડ તાલુકાના બરબોધન ગામે સરકારી બાબુઓની ગે.હા. વચ્ચે મળેલ ખાસ ગ્રામસભામાં ઉપસ્થિત જાગૃત ગ્રામજનોએ ગ્રા.પં. તલાટીના મનસ્વી કારભારના પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. ગ્રામજનોએ હોબાળો મચાવી તેઓએ માટીનો વેપલો કરવા સક્ષમ અધિકારીની મંજુરી વિના જ ગામના તળાવનું પાણી ખાલી કરવા સહિતના પ્રશ્નોની રજુઆત કરતા ખુલાસો આપવાના બદલે ગ્રામસભા છોડી જતા રહેતા ગ્રામસભા બરખાસ્ત કરવા નોબત આવી હતી.
બરબોધન ગામે નેશનલ વોટર મિશન-૨૦૨૩ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ કર્મચારીની હાજરી બાબતે સરકારી તંત્ર તરફથી ગત શનિવાર,તા.૦૪ ના રોજ ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત થતા જ સરપંચ દિક્ષાન્ત પટેલ અને તલાટી રાજેશ બોધરાના મનસ્વી વહીવટ બાબતે કેટલાક જાગૃત નાગરિકો પૈકી અમરત પટેલ, પરેશ પટેલ, મહિલા નિરંજનબેન ચૌહાણ સહિત ઉપસ્થિત ગ્રામજનોએ આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ રજુઆત કરી હતી કે, ગામનાં દફ્તરે બ્લોક નં-૬૧૯ ની સરકારી જમીનમાં ૭૫ હેકટર ક્ષેત્રફળ ધરાવતું તાલુકાનું મોટું મહાકાય તળાવ છે.
રોષ ઠાલવ્યો હતો કે, ગરમી શરૂ થતા જ કાંઠાના લોકો જયારે પાણી- પાણીનો પોકાર કરી રહ્યા છે, ત્યારે ગ્રા.પં.ના સરપંચ અને તલાટીએ માટીનો વેપલો કરવા ડિસેમ્બરથી ગામના તળાવનું પાણી મશીન મુકી ખાલી કરીને દરિયામાં ઠાલવી દીધું છે.તેઓએ આક્રોશ સાથે વિરોધ કર્યો હતો કે, તળાવની ફરતે અંગ્રેજ શાસન સમયથી જ દિવાલ છે.જે દિવાલને પણ નુકશાન કરવામાં આવ્યું છે. પહેલા જ તળાવ ખોદાતા ઊંડાઈ ૧૨ ફૂટ હોવાથી વધુ ઊંડું કરવાની જરૂર નથી. ઊંડાઇના કારણે ડૂબી જવાથી ત્રણ મોત થઈ ચૂક્યા હોવાથી વધુ જોખમી થવાની શકયતા છે.
આ તળાવ ના પાણીનો ઉપયોગ ગ્રામજનો આખું વર્ષ કરે છે. જો 2 વર્ષ સુધી વરસાદ નહીં આવે તો પણ તળાવનું વરસાદી પાણી ગ્રામજનો માટે આર્શીવાદરૂપ છે. કારણ વિના માત્ર મળતિયાંની રજુઆત અરજીથી તળાવનું પાણી ખાલી કરતા ગ્રામજનો સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જયારે ગ્રામજનોએ સરપંચ પાસે મળતિયાંઓની રજુઆત અરજી માંગતા તેઓ આપી શક્યા ન હતા. ગામની સીમમાં સનરાઇઝ ગ્લાસ ફેક્ટરીએ રસ્તા ઉપર કાચનો વેસ્ટ કચરો ઠાલવતા અવર-જવરની સમસ્યા મામલે સરપંચ અને તલાટીને આડે હાથે લઈ આંદોલનની ચીમકી આપી હતી.
જો કે ગ્રામજનોના રોષની નસ પારખી ગયેલા સરપંચે 15 દિવસમાં કાચના ટુકડાં ફેક્ટરી દ્વારા હટાવી લેવાની હૈયા ધરપત આપી હતી. સરપંચ અને તલાટી તળાવનું પાણી ખાલી કરવા ઉપસ્થિત ગ્રામજનોને ખુલાસો કર્યા વિના જ ગ્રામસભા બરખાસ્ત કરી પંચાયત કચેરીમાં જતા રહ્યા હતા.જયારે આ સભામાં સરપંચ સાથે માત્ર ત્રણ વોર્ડ સભ્યો જ હાજર રહી ગ્રા.પં.ના ડેપ્યુટી સરપંચ સહિત બાકીના વોર્ડ સભ્યો ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.