મન્ડે પોઝિટિવ:સુરત જિલ્લામાં બુટલેગરો પર ગાળિયો કસવા પ્રોહિબિશન સેલનુ ગઠન

ઓલપાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે થઇ રહેલા દેશી અને વિદેશી દારૂના વેચાણ પર નિયંત્રણ મેળવવા કવાયત

સુરત ગ્રામ્યમાં વિદેશી દારૂ સાથે અખાદ્ય ગોળ સહિતના સ્વાસ્થ્યને હાનિરૂપ રસાયણોના મિશ્રણથી બનતો દેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે. ત્યારે હવે દારૂના વેચાણ પર નિયંત્રણ મેળવવા સાથે પ્રોહીબિશનના કાયદાનું કડક પણે પાલન કરાવવા સુરત જિલ્લા પોલીસ અધિક્ષકની નિગરાણી હેઠળ પ્રોહીબિશન સેલ કાર્યરત કરવામાં આવતા બુટલેગરો ફફડી ઉઠ્યા છે.

સુરત ગ્રામ્યએ વિદેશી અને દેશી દારૂના વેચાણથી પંકાયેલું છે, વર્ષે સુરત ગ્રામયમાં કરોડોની કિંમતનો દારૂ રાજ્ય બહારથી ઠલવાઇને સુરત ગ્રામ્યમાં વેચાણ થાય છે. કહેવત મુજબ “તાળી હંમેશા બે હાથે વાગે” ત્યારે પોલીસના આશીર્વાદથી સક્રિય થયેલા બુટલેગરો પર પ્રોહીબિશનના કાયદાની કોઈ અસર જોવા મળતી નથી. સરકારે કાયદો કડક બનાવતા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ તેમાંથી બચવાનો પણ રસ્તો ખુલ્લો કરી આપે છે. સુરત ગ્રામ્યમાં મોટા પાયે થતા દારૂના વેચાણ પર નિયંત્ર મેળવવા સાથે પ્રોહીબિશનના કાયદાનું કડક પણે પાલન કરાવવા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક આક્રમક મૂડમાં આવ્યા છે.

સુરત ગ્રામ્ય પોલીસના પ્રથમ મહિલા પોલીસ અધિક્ષક તરીકે ઉષા રાડા દેસાઈની નિમણુંક થયા બાદ સુરત ગ્રામ્ય પોલીસમાં અનેક વિધ સુધારા વધારા થવા સાથે અનેક પ્રકારે સરાહનીય અને લોકઉપયોગી નોંધનીય કામગીરી કરી છે. ત્યારે હવે પ્રોહીબિશનના કાયદાનું કડકપણે પાલન કરાવવા એસ.પી ઉષા રાડાની નિગરાણી હેઠળ પ્રોહીબિશન સેલની રચના કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કરને માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષકે કહ્યું કે આ સેલમાં 2 પી.આઈ અને 2 પી.એસ.આઈ સાથે અન્ય પસંદગીનો પોલીસ સ્ટાફ ગુપ્ત અને વિશ્વસનીય રીતે કામગીરી કરશે.

સુરત ગ્રામ્યના વિભાગ દીઠ કામગીરી લેવામાં આવશે. ત્યારે એક અઠવાડિયા પહેલા સેલ કાર્યરત કરવાની સાથે સુરત ગ્રામ્યમાં સેલ કડક રીતે કામગીરીમાં લાગતા બુટલેગરો દારૂ વેચાણનો વેપલો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તહેવારોને લઈને રાજ્ય બહારથી મોટાપાયે દારૂ મંગાવી વેપલો કરનારા બુટલેગરો પર પ્રોહીબિશન સેલ ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે દારૂ સાથે પકડાયેલા બુટલેગરો વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરાશે.

દમણ-નવાપુર ઉપરાંત ગોઆથી પણ સપ્લાય સુરત ગ્રામ્યના નામચીન બુટલેગરો કે જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેના મોટા વહીવટ થકી દમણ અને નવાપુરથી વિદેશી બનાવતનો દારૂ મંગાવી વેપલો કરતા આવ્યા છે. ત્યારે દમણ અને નવાપુરા તરફથી દારૂ લાવવામાં તકલીફ ઊભી થતા હવે ગોઆથી સુરત સુધી દારૂ સપ્લાય થાય છે ત્યારે આટલા દૂરથી દારૂ આવવાની બાબતે પણ તપાસ જરૂરી છે.

લિસ્ટેડ બુટલેગરોની ગતિવિધિ પર ચાંપતી નજર રખાઇ રહી છે
સુરત ગ્રામ્યમાં પ્રોહીબિશનના કાયદાનું કડક પણે પાલન કરવા સેલ કાર્યરત કરી છે. સાથેજ બુટલેગરોએ વેપલો સમેટી લીધો છે છતાં જિલ્લાના નામચીન લિસ્ટેડ બુટલેગરો જુદા જુદા પ્રકારે દારૂનો વેપલો કરે તેમ હોવાથી તેમની ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે. દારૂ સાથે બુટલેગર પકડતા કડક કાર્યવાહી થશે. > ઉષા રાડા, એસ.પી,સુરત

અન્ય સમાચારો પણ છે...